એપ્રિલ ૨૧
દુનિયામાં દરેકેદરેક વ્યક્તિ માટે સ્થાન છે, પણ તમારું સ્થાન ક્યાં છે અને તમે ક્યાં બંધ બેસો છો તે તમારે શોધવું ને પામવું જોઈએ. નવું લઈ આવવાની જવાબદારી ઉઠાવતાં તમે ગભરાતાં હો, તો જે લોકો એ કરવા તૈયાર છે તેમને અટકાવવાનો પ્રયત્ન કરતાં નહિ. બરોબર સમજી લો કે જે લોકો આ કાર્ય ઉપાડવાને પ્રેરિત થયાં છે, ને તે માટે પ્રશિક્ષિત થયાં છે તેઓ એ ક૨શે જ, કારણ કે એ તેમનું કામ છે. સમગ્ર વિશાળ યોજનામાં તમારું સાચું સ્થાન ક્યાં છે તે શોધી કાઢો અને એમાં તમે પહેલી હરોળમાં ન હો, તો તેથી ક્ષુબ્ધ ન થાઓ. યાદ રાખો કે સમગ્રની રચના માટે બધા પ્રકારનાં લોકોની જરૂર પડે છે. તમારું જે વિશેષ ચોક્કસ કામ છે તે બસ સ્વીકારો અને તમારું જે કાર્ય કરવાની તમને ખબર છે, તે પૂરું હ્રદય રેડીને કરો. જે લોકો જવાબદારી અને નેતૃત્વના પદે મુકાયેલા છે, તેમને આગળ જવા દો. તેમને પૂરો ટેકો અને સંપૂર્ણ વફાદારી આપો. તેમને એની જરૂર છે અને એની કદર છે. એમને માટેનાં કૃતજ્ઞતા, પ્રશંસા અને ઊંડા પ્રેમથી હૃદયને ઉન્નત બનાવો અને હંમેશાં, તમારું જે ઉત્તમોત્તમ છે તે આપો.
ખુશ રહો.