શુક્રવાર, 27 ડિસેમ્બર, 2013

“ફુવડ સ્ત્રી અને એક ગુલાબ !” – ડો.આઇ.કે.વીજળીવાળા



ડો.આઇ.કે.વીજળીવાળા ના ‘મોતીચારો’ શ્રેણીના પુસ્તક ‘પ્રેમનો પગરવ’માંથી એક વાર્તા

“ફુવડ સ્ત્રી અને એક ગુલાબ !” – ડો.આઇ.કે.વીજળીવાળા

એક ગામમાં એક અત્યંત ફૂવડ સ્ત્રી રહેતી હતી. એ એટલી બધી ગોબરી હતી કે કોઈ એના ઘરે જવાનું પણ પસંદ ન કરતું. એને જોઈને લોકો મોં બગાડતા, છતાં એ સ્ત્રીના વર્તનમાં કોઈ જ ફેરફાર થતો નહીં.

એક દિવસ કોઈએ એ સ્ત્રીને એક ગુલાબ ભેટમાં આપ્યું. લાંબી ડાળખી સાથે એ ગુલાબનું ફૂલ ખૂબ જ સુંદર લાગતું હતું. એ ફૂવડ સ્ત્રીને પણ ગુલાબનું સૌંદર્ય અત્યંત આકર્ષી ગયું હતું. એણે એના ટેબલ પર પડેલા ફલાવરવાઝ (ફૂલદાની)માં એ ગુલાબને ગોઠવી દીધું, પરંતુ એ સાથે જ એક તકલીફ ઊભી થઈ. ગુલાબનું ફૂલ એટલું બધું સરસ લાગતું હતું કે પેલી ફૂલદાની એની પાસે ગંદી દેખાવા લાગી. એના પર દિવસોની ધૂળ જામી હતી એ સ્પષ્ટ દેખાવા લાગ્યું.

એ ફૂવડ સ્ત્રીએ થોડીક વાર સુધી તો એ જોયું ન જોયું કર્યું, પરંતુ પછી એનાથી ન રહેવાયું. ઘણાં વરસ પછી એણે એ ફૂલદાનીને બરાબર ધોઈને ચોખ્ખી કરી નાખી. ચકચકિત ફૂલદાનીમાં ડાંડલી સાથેનું એ ફૂલ એણે ગોઠવી દીધું. પછી એ કેવું લાગે છે તે જોવા એ બે ડગલાં પાછળ હટી, પરંતુ એ સાથે વળી એક ઉપાધિ ઊભી થઈ ! હવે ટેબલ ગંદું દેખાતું હતું ! આટલા સરસ ગુલાબની આજુબાજુ ટેબલ પર પડેલ કચરો એ સ્ત્રીથી સહન ન થઈ શક્યો. એણે આખું ટેબલ સાફ કરી નાખ્યું. એને એ પણ યાદ નહોતું કે છેલ્લે એણે એ ક્યારે સાફ કરેલું ! ટેબલ સાફ કરી, એના પર પેલી ગુલાબના ફૂલ સાથેની સ્વચ્છ ફૂલદાની ગોઠવતાં એને અત્યંત ખુશી થતી હતી. હવે એ સહેજ દૂર ઊભી રહીને આ દશ્ય જોવા લાગી. પરંતુ સૌથી મોટી ઉપાધિ તો બાકી જ હતી ! હવે એને ટેબલની સરખામણીમાં આખો રૂમ જ ગંદો લાગવા માંડ્યો હતો ! જોતજોતામાં એ સ્ત્રીએ પોતાનું ઘર તેમ જ આંગણું વાળીને ચોખ્ખું ચણાક કરી નાખ્યું !


ઉપસંહાર :
જિંદગીના એકાદ ખૂણે થોડોક જ પ્રકાશ ફેલાય તો આપણે સમજી પણ શકીએ એ પહેલાં આપણા જીવનનો ખૂણેખૂણો પ્રકાશિત અને ઊજળો બની જતો હોય છે. બસ, જરૂર હોય છે એક કિરણને અંદર આવવા દેવા જેટલી જગ્યા કરવાની !


સૌજન્ય :- રીડગુજરાતી.કોમ
પુસ્તક પ્રકાશન અને પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠની કંપની.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.