લેબલ વાર્તા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ વાર્તા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 6 ઑગસ્ટ, 2016

પ્રેમ એટલે ? Part 1

એક પ્રેમી કપલની વાત છે.
બંને દરિયા કિનારે ફરવા ગયાં હતાં.
નાળિયેરીની નીચે બાંકડા પર બેઠાં હતાં ત્યારે તેણે નદીની રેત પર ધબકતું એક દૃશ્ય જોયું.
એક વૃદ્ધ કપલ એકબીજાનોહાથ પકડી ચાલતાં હતાં. બંનેના પગ ખુલ્લા હતા.
ભીની રેતીનો અહેસાસ બંને માણતાં હતાં.
જોકે નક્કી કરી શકાય એવું ન હતું કે બંનેના ચહેરા પર જે કુમાશ હતી અને દિલમાં જે ટાઢક હતી એ ભીની રેતી પર પડતાં ખુલ્લા પગથી હતી કે પછી એકબીજાના પકડાયેલા હાથની ઉષ્માથી.
પ્રેમિકા ઊભી થઇ અને એ વૃદ્ધ કપલ પાસે ગઇ.
પ્રેમી પણ તેની પાછળ ગયો. 

રવિવાર, 20 માર્ચ, 2016

સગર્ભા હરણી - વાર્તા

સગર્ભા હરણી
***********
એક જંગલ હતું.
તેમાં એક હરણી ગર્ભવતી હતી અને તેનું બચ્ચુ જન્મવાની તૈયારીમાં જ હતું.
દૂર દેખાઈ રહેલું નદી પાસેનું એક ઘાસનું મેદાન તેને સુરક્ષિત જણાતા, તેણે ત્યાં જઈ બચ્ચાને જન્મ આપવાનો નિર્ણય કર્યો.
તે ધીમે ધીમે ત્યાં જવા આગળ વધી અને ત્યાં જ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ગઈ.
તે જ ક્ષણે અચાનક તે વિસ્તારના આકાશમાં કાળા ડિબાંગ વાદળા છવાઈ ગયાં અને વિજળીનો ગડગડાટ શરૂ થઈ ગયો.
વિજળી પડતા ત્યાં દાવાનળ ફેલાઈ ગયો.
હરણીએ ગભરાયેલી નજરે ડાબી બાજુ જોયું તો ત્યાં તેને એક શિકારી પોતાના તરફ તીરનું નિશાન તાકતો દેખાયો.
તે જમણી તરફ ફરી ઝડપથી એ દિશામાં આગળ વધવા ગઈ ત્યાં તેને એક ભૂખ્યો વિકરાળ સિંહ પોતાની દિશામાં આવતો દેખાયો.
આ સ્થિતીમાં ગર્ભવતી હરણી શું કરી શકે કારણ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ચૂકી છે.

તમને શું લાગે છે?
તેનું શું થશે?
શું હરણી બચી જશે?
શું તે પોતાના બચ્ચાને જન્મ આપી શકશે?
શું તેનું બચ્ચુ બચી શકશે?
કે પછી દાવાનળમાં બધું સળગીને ભસ્મીભૂત થઈ જશે?
શું હરણી ડાબી તરફ ગઈ હશે? ના,ત્યાં તો શિકારી તેના તરફ બાણનું નિશાન તાકી ઉભો હતો.
શું હરણી જમણી તરફ ગઈ હશે?ના,ત્યાં સિંહ તેને ખાઈ જવા તૈયાર હતો.
શું હરણી આગળ જઈ શકે તેમ હતી? ના,ત્યાં ધસમસતી નદી તેને તાણી જઈ શકે એમ હતી.
શું હરણી પાછળ જઈ શકે તેમ હતી? ના, ત્યાં દાવાનળ તેને બાળીને ભસ્મ કરી દઈ શકે તેમ હતો.
******
આ ઘટના સ્ટોકેઇસ્ટીક પ્રોબેબીલીટી થિયરીનું એક ઉદાહરણ છે.
તે કંઈજ કરતી નથી.
તે માત્ર પોતાના બચ્ચાને, એક નવા જીવને જન્મ આપવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે.
એ ક્ષણ પછીની બીજી જ ક્ષણમાં આ પ્રમાણે ઘટનાક્રમ બનવા પામે છે.
એક ક્ષણમાં શિકારી પર વિજળી પડે છે અને તે અંધ બની જાય છે.
આકસ્મિક બનેલી આ ઘટનાને લીધે શિકારી નિશાન ચૂકી જાય છે અને તીર હરણીની બાજુમાંથી પસાર થઈ જાય છે.
તીર સિંહના શરીરમાં ઘૂસી જાય છે અને તે બૂરી રીતે ઘાયલ થઈ જાય છે.
એ જ ક્ષણે મૂશળધાર વર્ષા વરસે છે અને દાવાનળને બૂઝાવી નાંખે છે.
એ જ ક્ષણે હરણી એક સુંદર, તંદુરસ્ત બચ્ચાને જન્મ આપે છે...!!

મિત્રો,
આપણા સૌના જીવનમાં એવી કેટલીક ક્ષણો આવે છે જ્યારે બધી દિશાઓમાંથી નકારાત્મક વિચારો અને સંજોગો આપણને ઘેરી વળે છે. એમાંના કેટલાક વિચારો તો એટલા શક્તિશાળી હોય છે કે તે આપણા પર હાવી થઈ જાય છે અને આપણને શૂન્યમનસ્ક બનાવી મૂકે છે. પણ જીવનમાં એક જ ક્ષણમાં પરિસ્થીતી તદ્દન બદલાઈ જઈ શકે છે.
સામાજિક એક્તા કે સંગઠનમાં પણ ચારેબાજુ નકારાત્મકતા જોવા મળે તો પણ દ્રઢ નિશ્ચય રાખીએ તો અવશ્ય સફળતા મળે જ છે.
આપનો દિવસ શુભ રહે.

સોમવાર, 13 જુલાઈ, 2015

સોમલી...


સોમલી... (A 'Copy Pasted' story from Suresh Ganatra's Facebook Page.

સિત્તેર વર્ષ પહેલાંની એક સત્ય ઘટના જલારામ જ્યોતના એક સુજ્ઞ વાચક શ્રી હરગોવિંદભાઈ રામીએ રતલામથી લખી મોકલાવેલ તે થોડી ટૂંકાવીને, થોડી મઠારીને તેમના જ શબ્દોમાં વાંચીએ-
.
અમારૂં ગામ લીંબડી. પિતા બેચરભાઈ કડિયા કામ કરે. દોઢ રૂપિયો રોજ મળે. ઘેર ત્રણ ભેંસો. માતા મણીબા ભેંસોની રાખરખાત કરે. રાણી છાપ રૂપિયાનું અઢી શેર ઘી વેચે. ઘરની આર્થિક સ્થિતિ ઠીક ગણાય. સમયાંતરે પરિસ્થિતિ બદલાણી. ભેંસો એક પછી એક વેચાતી ગઈ. છેલ્લે વધી ભેંસની એક પાડી જેનું નામ સોમલી. 
.
સવંત 1996માં સૌરાષ્ટ્રમાં દુષ્કાળ પડ્યો. વરસાદ પાણી થયાં નહિ. ઘાસચારો મોંઘો થયો. આર્થિક ભીંસમાં કુટુંબ ભીંસાઈ ગયું. છોકરાંના આડાંની આ ભેંસ તેને પાંજરાપોળમાં કેમ મૂકવી? માતા પિતા મૂંઝવણમાં મુકાઈ ગયા. 
.
એવામાં લીંબડી નજીક આવેલ સૌકા ગામનાં દરબાર તખુભાભાઈ આવ્યા અને અમારી આ પહેલ વેતરી ભેંસની માગણી કરી. અમારાં મા-બાપ પહેલેથી જ ભક્તિ ભાવવાળાં હોવાથી ભેંસ બાબત કહ્યું કે અમારે કાંઈ લેવું નથી. પણ તમે આ સોમલી ઘાસ ચારેથી દુ:ખી ન થાય એટલું જોજો.
.
દરબાર બાપુએ અમને આશ્વાસન આપતા કહ્યું કે મારે ભગવાનની પુનાઈ છે. ભોગાવાનાં કાંઠે વાડી ખેતર છે. રજકો-ચારો પર્યાપ્ત માત્રામાં અમારી પાસે છે. ભેંસને જરાયે દુ:ખ નહીં પડવા દઉં. વળી ગામ નજીક છે. કોઈ વખત આવીને જોઈ જજો. મારાં મા-બાપે ભેંસ સોમલીને વિના મૂલ્યે દોરી આપી. 
.
કન્યા વિદાય વેળાએ જેમ માબાપની આંખ આંસૂથી છલકાઈ ઉઠે છે તેવી રીતે સોમલીને દરબારબાપુ સાથે વળાવતી વેળાએ મારા માતાપિતા રડતા હતા. સોમલીને દરબારબાપુ સાથે વળાવ્યા પછી ઘણા દિવસ સુધી મારા માતાપિતા તેને યાદ કરીને હિજરાતા રહ્યા. શરૂઆતના દિવસોમાં તો ધણીવાર મારા મા સોમલીને યાદ કરીને આંસૂ પાડી લેતા. એક દિવસ મારા માતાપિતા સોમલીની શાતા પૂછવાં સૌકા ગામે પહોંચી ગયા.
.
સોમલીને સામી નજરે જોઈ, સુખી જણાઈ. અવાજ કર્યો, ‘ સોમલી‘. ને ત્યાં તો તે ચારે પગે સોમલી ઊછળી અને ખીલો છોડાવીને મારાં માતા-પિતા પાસે દોડી આવી અને તેમના પગ ચાટવા લાગી.
.
અંતરભાવો જ્યારે શબ્દો દ્વારા કહી શકતા નથી ત્યારે તે આંસુઓના માર્ગે વહેવા લાગે છે. સોમલીની આંખોમાં વહેતા આંસૂ કહીરહ્યા હતા કે તે લીંબડી પાછાં આવવા માગતી હતી. તે મારા માતા-પિતાથી અળગી થતી ન હતી.
.
તેની આંખમાંથી અને મારા માની આંખમાંથી આંસુની ધાર વહેતી જોઈ ત્યારે ત્યાં આજુબાજુના ઘણા લોકોની આંખમાં પણ આંસુના તોરણ બંધાયા... 
.
પ્રેમ હોય તો સુખ-સગવડ વગર પણ આનંદથી જીવી શકાય છે. પ્રેમનું ફૂલ ક્યારેય, કોઈ પણ પરિસ્થિતીમાં કરમાતું નથી.  

કબીરજીએ યથાર્થ ગાયું છે કે - પ્રેમ છિપાયા ના છિપૈ, જો ઘટ પરગટ હોય, જો પૈ મુખ બોલે નહીં, નૈન દેત હૈ રોય.
સોમલીનું પણ આવું જ થયું. તે બોલી તો સકતી ન હતી પરંતું તેની આંખના વહેતા આંસૂ ઘણું ઘણું કહેતા હતા.
.
કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે પશુ પણ સ્વજનોના પ્રેમ અને વતનની માયાને ભૂલી શકતું નથી. 
.
સોમલીને દરબારબાપુને ત્યાં સિમેંટ કોંકરેટની સ્વચ્છ ગમાણમાં રજકો-ચારટીયો તથા ખાણમાં ખોળ-ગોળ બધું જ મળતું હતું, જ્યારે અમારે ત્યાં નીરણમાં સૂકાં ઠાગાં ઠાલીયા સિવાય કાંઈ નહિ અને વધારામાં ગારથી લીંપાયેલ ગમાણ હતી.
.
ખીલે ખાણ ખૂટે નહિ ને સ્વચ્છ ગમાણે લીલી નાગરવેલ નંખાય;
પણ સૂકાં ઠાગાંને ઠાલીયા ને ગારેલીંપી ગમાણ તે કેમે કરી ભુલાય !
.
જીવનના કોઈ પણ મુકામે સંસારના તમામ સુખ સગવડતાઓ વચ્ચે પણ ક્યારેય મન ઉદાસ થઈ જાય ત્યારે ચિંતન કરશો તો સમજાશે કે પોતાના વીતેલા સંસારની કોઈ મધુર, પ્રેમપૂર્ણ માયા સતાવે છે.
.
કબીરજી કહે છે કે - પ્રેમ ન બાડી ઉપજૈ, પ્રેમ ન હાટ બિકાય; રાજા પરજા જૈહિ રૂચૈ, શીશ દેઈ લૈ જાય...
.
પ્રેમને સુખ-સાહેબીના ત્રાજવે ક્યારેય તોળી શકાતો નથી. ગરીબ માવતરની દીકરી પરણીને સાસરે ગઈ હોય, સાસરીમાં દોમદોમ સાહેબી હોય, પાણી માંગે ત્યાં દૂધ મળતું હોય તો પણ તે ક્યારેય પોતાના પિયરની માયાને વિસારી શકતી નથી. તેવું જ સોમલીનું હતું. સૌકા ગામે મળતું સુખ તેને સ્વજનોના પ્રેમ અને માયાથી વિમુખ કરી શક્યું ન હતું.
.
પ્રેમ એ જીવ માત્રની સ્વાભાવિક ભૂખ છે. નક્કી માનજો - પ્રેમ જ હરકોઈને તૃપ્તિ આપે છે.
.
- સુરેશ ગણાત્રા

શનિવાર, 16 મે, 2015

બોધકથા - 8

'વિશ્વસનીય' ન્યાય...!!


આશરે 1400 વર્ષ પહેલાની આ વાત છે.
જ્યારે શંકરાચાર્ય હજુ શંકર જ હતાં, આચાર્ય થવાના માર્ગે આગળ વધી રહ્યા હતા ત્યારે વિદ્યા-અભ્યાસ પૂર્ણ કરી શાસ્ત્રાર્થ માટે માન્યતા મેળવવા સૌ પ્રથમ દક્ષિણનાં પ્રકાંડ પંડિત આચાર્ય મંડનમિશ્રનાં  ઘરે આચાર્ય અને તેમનાં પરમ વિદુષી પત્ની ભારતી દેવી સાથે શાસ્ત્રાર્થ કરવા ગયા. શરત એ હતી કે શંકર જો મંડન મિશ્ર અને તેની પત્નીને હરાવે તો બંને તેના શિષ્ય થઇ જાય નહિ તો શંકરે મંડનમિશ્ર નાં શિષ્ય થવાનું...

શરત મંજુર હતી પણ "શાસ્ત્રાર્થ દરમ્યાન ન્યાય કોણ કરે ?" એ મોટો પ્રશ્ન હતો. શંકરે વચલો માર્ગ કાઢ્યો અને કહ્યું "જ્યારે હું મંડન મિશ્ર સાથે શાસ્ત્રાર્થ, વાદ - વિવાદ કરું ત્યારે ન્યાયાધીશ તરીકે ભારતીદેવી કામ કરે અને જ્યારે ભારતીદેવી સાથે શાસ્ત્રાર્થ થાય ત્યારે આચાર્ય મંડન મિશ્ર ન્યાયાધીશ તરીકેની ફરજ બજાવે...!!

કેવો અદભૂત વિશ્વાસ 'ન્યાય' માં ?
અને તેનાથી પણ વિશેષ આશ્ચર્યજનક વાત તો એ છે કે ભારતીદેવીએ મંડન મિશ્ર સામેની ચર્ચામાં શંકરને વિજયી ઘોષિત કર્યા અને ભારતીદેવી સાથેનાં શાસ્ત્રાર્થમાં મંડન મિશ્ર એ પણ શંકરને જ વિજયી ઘોષિત કર્યા...!!

અને બંને વિદ્વાનો શંકરનાં શિષ્ય થઇ ગયા,
પછી શંકર શંકર મટી 'શંકરાચાર્ય' થયા...!!

ન્યાય અને તાટસ્થ્યતા એ આનું નામ...

આજકાલ ન્યાય વિશ્વસનીય રહ્યો નથી,
સત્તા પક્ષ બદલે એટલે તરત બદલીનો દોર શરુ થાય,
ફાઈલો ખુલે-ન્યાય બદલે-જીલ્લા કોર્ટ-હાઈ કોર્ટ-સુપ્રીમ કોર્ટ સુધી પણ ચુકાદાઓ બદલાતા રહે...!!
સલમાન ખાન અને જય લલીતા જેવી હસ્તીઓનું ઉદાહરણ એકદમ તાજું જ છે.
કાયદો તટસ્થ રહ્યો નથી,
બળિયા હોય એ જ જીતે એવું નક્કી લાગવા માંડ્યું છે...!!

પ્રભુ સૌને સદબુદ્ધિ પ્રદાન કરે...!
સુપ્રભાતમ.  

શુક્રવાર, 15 મે, 2015

બોધકથા - 7

રજા ની મજા...!!



વારંવાર રજાઓ પાડી દેતી આજની શાળાઓમાં શિક્ષણકાર્ય ક્યારેય પણ સ્થગિત કરી દેવામાં આવે છે.
આજે વાત કરવી છે એક સંસ્કૃત પાઠશાળાની.
સંસ્કૃત પાઠશાળાઓ કાશીમાં (અને ક્યાંક ક્યાંક ગુજરાતમાં) આજે પણ આશ્રમ વ્યવસ્થા પ્રમાણે ચાલે છે.

લગભગ દોઢસો વર્ષ પહેલાની આ વાત છે.
કાશીમાં કેશવ શાસ્ત્રી નામના વિદ્વાન માતૃવત્સલ ભાવથી સંસ્કૃત ભણવા આવનાર શિષ્યોને પિતૃ વાત્સલ્ય પણ પુરુ પાડતાં. એમની જ પાઠશાળામાં વિદ્વાન આચાર્ય એવા પંડિત શ્રી ગંગાધર શાસ્ત્રી (જેઓ નવ્ય ન્યાય વિષયનાં ધુરંધર આચાર્ય કહેવાય છે.) 

સંકૃત પાઠશાળામાં પંડિત ગંગાધર શાસ્ત્રીજીનો એકનો એક પુત્ર ઢુંઢીરાજ પણ અભ્યાસ કરતો. અભ્યાસમાં તેજસ્વી અને આનંદી સ્વભાવનાં કારણે  ઢુંઢીરાજ  સૌનો પ્રિય થઇ ગયો હતો.

એક દિવસ પંડિત ગંગાધર શાસ્ત્રીજી એ પોતાનાં સમયમાં બે કલાક સુધી રોજ ની જેમ જ, ધ્યાન પૂર્વક અને એકદમ ઝીણવટ ભર્યો, શાંતિથી અભ્યાસ કરાવ્યો. વર્ગ પૂરો થયો...

આજે એમનો પુત્ર  ઢુંઢીરાજ  વર્ગમાં આવ્યો ન હતો. એટલે તેના નીકટના મિત્રોએ વર્ગ પૂરો થતા જ ગંગાધર શાસ્ત્રીજીને  ઢુંઢીરાજ ની ગેરહાજરીનું કારણ પૂછ્યું. શાસ્ત્રીજીની આંખમાં આંસુ આવ્યા અને કહ્યું - " એ ગઈકાલે રાત્રે જ આપણા સૌથી ખુબ જ દૂર ચાલ્યો ગયો છે....!!

વિદ્યાર્થીઓને આ વાત નો મર્મ સમજાતા વાર લાગી... 
જ્યારે સમજ્યા ત્યારે તેઓની આંખમાં પણ આંસુ હતા... 

આવા સંજોગોમાં પણ શિક્ષણ કાર્ય પંડિત ગંગાધર શાસ્ત્રીજી એ  ચાલુ રાખેલું...!!

આજકાલ શિક્ષકોનો સેમીનાર હોય તો શાળામાં શિક્ષણકાર્ય બંધ,
નિરીક્ષણ - ગુણોત્સવ પૂરો થાય એટલે રજા,
મેચ જીત્યા - રજા,
શાળાનાં સ્થાપકનો જન્મ-મરણ દિવસ હોય - રજા,
કોઈ શિક્ષકને ત્યાં શુભ પ્રસંગ હોય - આખી શાળાને રજા...!!
શિક્ષણ કેમ 'બંધ' રાખવું એની જ પેરવીમાં જાણે સૌ પડ્યા હોય છે...!!

ગમે તેવા વિપરીત સંજોગોમાં પણ શિક્ષણ કાર્ય શરુ રાખવાની "આંતરિક શક્તિ" આપણામાં આવે એવી અભ્યર્થના સાથે સુપ્રભાતમ...

_/\_ પ્રણામ.

(કથાબીજ - સુરેશભાઈ ભટ્ટ, નિવૃત્ત શિક્ષકશ્રી, ગાંધીનગર)



બુધવાર, 13 મે, 2015

બોધકથા - 6

'ચાપલુસીયો' રાક્ષસ...!!


એક માણસને રાક્ષસ ઉપાડી ગયો. 
એના બળ-બુદ્ધિ-કાયદા-આત્મબળ અને આત્મગૌરવ સહીત તેનું અપહરણ કરી ગયો...!!
અને પછી એની પાસે કામ કરાવવા લાગ્યો. 
સાચા-ખોટાં, કાયદાની કલમમાં ન હોય એવાં, પરિપત્રોની બહારનાં... 
બધા જ કામ કરાવવા લાગ્યો. 
પરિણામે માણસ ખુબ જ ટેન્શનમાં આવવા લાગ્યો. 
હાઈ બી.પી., લો બી.પી., ટેન્શન વગેરે જેવા જે જે વધવા જોઈએ એ બધા જ રોગો તેને વધવા લાગ્યા...!!

કામમાં જરાપણ આનાકાની કરે તો 'હાઉ...' 'હાઉ...' કરીને બીવડાવે, 
અને ક્યારેક ક્યારેક તો 'ખાઈ જઈશ' ની ધમકી પણ આપે !! 
 
માણસ કંટાળ્યો, 
એણે વિચાર્યું કે એક વખત તો મરવાનું જ છે, 
તો પછી આ રોજ રોજ મરવા કરતાં એક જ વાર મરવું શું ખોટું ?
એમ વિચારીને તેણે એક દિવસ હિંમત એકઠી કરીને રાક્ષસને કહ્યું "ખાઈ જા...!!"

- અને રાક્ષસ ડઘાઈ ગયો...!!

આપણા નોકરીનાં સ્થળનું પણ આવું જ છે...!!

આપણા નેતાઓ અને અધિકારીઓની વચ્ચેનો તાલમેળ 'બદલી' અથવા 'બઢતી' નાં ભયથી જ હોય છે...!!
પેલાને મૌખિક હુકમો આપવાનાં હોય અને કાયદાનાં સકંજામાં તો 'સાહેબ' જ આવે...!! 
આપણા 'સાહેબો' માં સ્પષ્ટ પણે 'ના' કહેવાની હિંમત હોતી નથી અને પરિણામે તેઓ સજા ભોગવે છે (જેમ કે, ડી.જી. વણઝારા એન્ડ કંપની).

આપણામાં અને આપણા 'સાહેબો'માં યોગ્ય સમયે 'નાં' કહેવાની હિંમત આવે એવી પ્રાર્થના સાથે...

_/\_ પ્રણામ 
સુપ્રભાતમ.

મંગળવાર, 12 મે, 2015

બોધકથા - 5

'મા' જેવા સંત. 


          સ્વામિનારાયણ સંપ્રદાય તગારું (સમાજ સેવા), નગારું (ભજન-ભક્તિ-ઉત્સવો) અને તાવડા (રસોઈ-બીજા ને જમાડવા) માટે આખાયે વિશ્વમાં પ્રખ્યાત છે. આજે સ્વામિનારાયણ સંપ્રદાયનાં સુપ્રસિદ્ધ સંત અને કવિરાજ શ્રી મુક્તાનંદ સ્વામીનાં જીવનનો એક પ્રસંગ કહેવો છે.

          મુક્તાનંદ સ્વામી એકવાર પોતાનાં સંત મંડળ સાથે આસપાસનાં ગામડાઓમાં સત્સંગ પ્રચાર માટે ગયા હતા. સ્વામીજી વર્ષોથી એકટાણું કરતા હતા. માત્ર બપોરે એક જ સમય જમવાનું. સાથે રહેલા સંત મંડળને પણ આ વાતની ખબર હતી. 

          સાધુ સંતોનો ઉતારો ગામમાં એક હરિભક્ત ને ત્યાં હતો. સાંજનો સમય હતો. બપોરા થોડા જલ્દી કરી લીધા હતા. પણ સાંજે ઘરમાં એ હરિભક્ત અને તેનાં સાથીઓ માટે ગરમ ગરમ રોટલા અને રીંગણનું શાક થતું હતું. રસોઈ ની સોડમ નાના સાધુઓના નાક સુધી પહોચી ગઈ. અને નાના સાધુઓનાં પેટમાં ભૂખે ગેડી દડો રમવાનું શરુ કરી દીધું હતું...!!

           પોતાના બાળ-શિષ્યોની આંખમાં ભૂખ અને ઘરમાં રોટલા-શાકની મઘમઘતી સોડમનો અણસાર જોઈ મુક્તાનંદ સ્વામી પરિસ્થિતિ પામી ગયા. સ્વામીજીએ જેમના ઘરમાં ઉતારો હતો એ હરિભક્તને હાકલ કરીને બોલાવ્યા અને કહ્યું," ભગત, તમારી રસોઈની સોડમથી અમારી ભૂખ ઉઘાડી છે, લાવો રોટલો અને શાક ખાઈ લઈએ."

          પેલા હરિભક્ત તો ખુબ જ ખુશ થયા અને હોંશે હોંશે સંતોને જમાડવાની વ્યવસ્થા કરી. પોતાના બાળ-શિષ્યો માટે થઈને આ સંતે વર્ષોથી પાળેલો એકટાણાનો નિયમ ભંગ કર્યો. અને પેટ ભરીને સૌએ રોટલા-શાક ખાધા.

          સંતો સરળ સ્વભાવનાં - ઉદાર દિલ - અને શિષ્યવત્સલ હોય છે. પ્રેમ અને વાત્સલ્ય માટે પોતાના કડક નિયમોનું બલિદાન આપી દેતા પણ અચકાતા નથી. આવા અનેક પ્રસંગોનાં લીધે મુક્તાનંદ સ્વામી ને આખાયે સ્વામિનારાયણ સંપ્રદાયની "મા" તરીકે આજે પણ લોકો બિરદાવે છે.
       
          એટલે જ આપણા લોક સાહિત્યમાં કહેવાયું છે કે "સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો..."

પ્રણામ _/\_ 

શનિવાર, 9 મે, 2015

બોધકથા - 4

'ભૂખ્યા' માનવ-વરુઓ...!!



એક વરુ ગંગાનાં કાંઠે ખડકો માં આવેલી ભેખડોમાં રહેતું હતું.
ગંગાનદીમાં અચાનક અતિશય પૂર આવતા ખુબ જ પાણી ભરાયું.
વરુથી બહાર નીકળાય એમ હતું નહીં. 
ભૂખ્યા રહેવું પડે એમ હતું.

એટલે તે પોતાનાં ઘરમાં ગયું,
કેલેન્ડર જોયું,
તો આજે એકાદશી હતી...!!
વરુએ તરત જ એકાદશીનો ઉપવાસ જાહેર કર્યો અને પછી શાંતિથી પાણી ઉતારે એની રાહ જોવા લાગ્યું.

થોડીવારે પોતાનાં નિવાસનાં બારણાં પાસેથી વહેતા પાણીમાં ચીસકારા પાડતું બકરીનું બચ્ચું પસાર થયું.
વરુ ઉભું થઇ ગયું,
મોઢામાં પાણી આવી ગયું...
બંને પંજા અને મોઢું લાંબુ કરી બકરીનાં બચ્ચાને ભેખડમાં ખેચી લેવા માટે મરણીયો પ્રયાસ કર્યો.

આ બાજુ તણાતાં બકરીનાં બચ્ચા એ મોતને સમય પહેલા ત્રાટકેલું જોઈ પૂરી તાકાત સાથે દૂર જવાનો પ્રયત્ન કર્યો અને એ સફળ થયું. 
વરુએ હાથમાં આવેલો શિકાર ગુમાવ્યો.
ફરી એકાદશીનું વ્રત યાદ કરીને શાંત થઇ બેસી ગયું...!!

મિત્રો,
સમાજમાં મારી, તમારી અને આપણી સૌની સ્થિતિ આ ભૂખ્યા વરુ જેવી જ છે,
જ્યાં સુધી તક નથી મળતી ત્યાં સુધી જ નિયમ, સિદ્ધાંત, નિષ્ઠા અને કાયદા રૂપી એકાદાશીઓનું પાલન કરતા હોઈએ છીએ.
એક વાર તક મળી એટલે.......

વધારે કઈ નથી કહેવું,
આપ તો સમજુ છો....!!

અંતરદ્રષ્ટિ કરીને જોઈ લેવામાં વધારે મજા છે.

આપનો દિવસ શુભ રહે. 
મંગળ પ્રભાત. _/\_

(લાગતાવળગતા એ ખાસ 'ટોપી' પહેરવી,
કારણ કે આ તમારા માટે જ અહિયાં મુક્યું છે...!!)

શુક્રવાર, 8 મે, 2015

બોધકથા - 3


જીવનમાં ચારિત્ર્યનું ખુબ જ મહત્વ છે.


એકવાર અર્જુન ઇન્દ્રસભામાં મહેમાન હતો,
સ્વર્ગની અપ્સરા ઉર્વશીનું નૃત્ય ચાલતું હતું.
શાસ્ત્રીય નૃત્યમાં સૌ મગ્ન હતા.
અર્જુન પણ તાલ-ઠેકા-સંગીતમાં રસબોળ થઈને ઉર્વશીની અંગભંગી-આંખોની મસ્તી માણતો હતો.
ખરેખર તો આ માત્ર અર્જુનનો નૃત્ય પ્રેમ હતો, પણ ઇન્દ્રને થોડીક ગેરસમજ થઇ.

નૃત્યની પૂર્ણાહુતિ પછી એમણે ઉર્વશીને બોલાવીને અર્જુનની આગતા સ્વાગતા કરવા માટે સુચન કર્યું.
ઉર્વશી ઇન્દ્રની મનોવૃત્તિ સમજી ગઈ અને રાત્રે અર્જુનની સેવામાં પહોચી ગઈ.

વાર્તા-વિનોદ થયા, અન્ય વાતો થઇ...
પછી ઉર્વશીના ભાવ-ભંગીની અને અંગોની મસ્તી જોઈ અર્જુન બધું સમજી ગયો,
પણ પોતાને 12 વર્ષનું બ્રહ્મચર્ય નું વ્રત હોવાથી ઉર્વશીને સ્પષ્ટતા કરતા કહ્યું કે, 
"માતાજી, આપના પ્રત્યે મારો એવો કોઈ જ ભાવ નથી...!!"

ઉર્વશીને હવે પોતાની જાતનું અપમાન લાગ્યું,
અને અર્જુનને શાપ દીધો કે,"તું એક વર્ષ સુધી નપુંસક રહીશ...!!"

અર્જુને એ શાપનો સ્વીકાર કર્યો.
જે તેને વનવાસ પછીનાં એક વર્ષનાં અજ્ઞાત વાસ દરમ્યાન ઉપયોગી થયો.
એક વર્ષનાં નપુંસકપણાનો શાપ તેને આશીર્વાદ રૂપ સાબત થયો. 

શાપ સ્વીકાર્યો પણ પોતાનું બ્રહ્મચર્ય વ્રત છોડ્યું નહીં.

ચારિત્ર્યનાં સદગુણને કારણે વિદ્યા અને વિવેક વધારે પ્રભાવશાળી થાય છે.
અર્જુન આવો જ ચારિત્ર્યશીલ હતો તેથી જ તે ધનુર્વિદ્યામાં અજોડ અને વિવેકમાં શ્રેષ્ઠ હતો.

સૌ માતા-પિતા, શિક્ષકો તથા વાલીઓ પોતાનાં બાળકોમાં આવા જ ઉચ્ચ મૂલ્યોનું સંવર્ધન કરે એવી આશા રાખીએ. 
સુપ્રભાતમ... _/\_

સોમવાર, 30 ડિસેમ્બર, 2013

ઘવાયેલું બાળમન - વાર્તા


‘ધારો કે ભગવાન તમારા ઉપર પ્રસન્ન થાય. માગ, માગ, માગે તે આપું ! તો તમે તેની પાસે શું માગો ?’ શિક્ષકે વર્ગમાં પૂછ્યું. કોઈકે કંઈક માગ્યું અને કોઈકે કાંઈક.
ત્યાં રાજુ ઊભો થઈ બોલ્યો :
‘રિવોલ્વર’
‘રિવોલ્વર ?’
‘હા, રિવોલ્વર – ત્રણ ગોળી ભરેલી.’
‘પણ શા માટે ?’
‘ઘરમાંના ભૂતોને ખતમ કરવા.’
‘ભૂતો ?’
‘હા, મારાં માબાપ. મારા માટે એ ભૂતો જેવાં જ છે. મારી સાથે ન બોલે, ન ચાલે. પણ એમનો ડર લાગે.’
‘તારા પિતાજી શું કરે છે ?’
‘દાક્તર છે. એમનું મોટું દવાખાનું છે. આખો દિવસ ત્યાં જ રહે છે.’
‘અને તારી મા.’
‘સ્કૂલમાં ટીચર છે.’
‘તારાં ભાઈ-બહેન ?’
‘કોઈ ભાઈ-બહેન નથી. હું એકલો છું.’
‘તો એકના એક દીકરાને તો માબાપ ખૂબ લાડ લડાવતાં હશે.’
‘લાડ ? એટલે શું ? મારા બાપ તો સવારે હું ઊઠું તે પહેલાં ઘરમાંથી ચાલ્યા ગયા હોય અને એ રાતે મોડેથી આવે, ત્યારે હું સૂઈ ગયો હોઉં.’
‘અને મા ?’
‘આખો દિવસ તો સ્કૂલમાં હોય અને ઘરે આવે ત્યારે ઢગલો નોટબૂક સાથે લાવી હોય તે તેણે તપાસવાની હોય, રસોઈ કરવાની હોય. એટલે મારા માટે તો તેની પાસે સમય જ ન હોય.’
‘એ બંને આટલું બધું કામ કરે છે, તે તારા માટે જ ને !’
‘મારા માટે ?’
‘હા, તેઓ આટલી બધી મહેનત કરીને પૈસો ભેગો કરે છે, તે તારા માટે જ ને ! એમને બીજું કોણ છે ? તું એમનો એકનો એક દીકરો.’
રાજુ હસ્યો : ‘પૈસો ! પૈસાને શું કરું ?’
‘મોટો થઈને તું રાજાની માફક રહી શકે, રાજકુંવરની માફક ખાઈ-પી શકે.’
‘મને ખબર નથી, પૈસો ખવાતો-પીવાતો હશે ! આજે તો હું પ્રેમ માટે તલસું છું.’
‘તે પ્રેમ વિના તું આટલો મોટો થયો હશે ? માબાપે જ તને પ્રેમથી ઉછેરીને આવડો કર્યો ને !’
‘નાનપણથી જ પ્રેમ એટલે શું, તેની મને ખબર નથી. મારી માએ મને કદી ખોળામાં લીધો નથી કે મારા બાપે કદી મારા માથે વહાલથી હાથ ફેરવ્યો નથી. બંને કામ ઉપર જાય, ત્યારે મને ઘરમાં સાચવવા એક બુઢ્ઢી બાઈ હતી. મોટે ભાગે તો એ ઘોરતી હોય. મને રમકડાં આપી દીધાં હોય. થોડો મોટો થયો ત્યારે એ બુઢ્ઢી ગઈ અને મને સાંભળવા એક પ્રૌઢ ઉંમરની બાઈ આવી. એ બહુ લુચ્ચી હતી. મને મારતી અને મારા માટે આપેલું ખાવાનું પોતે ખાઈ જતી. એના રૂક્ષ વહેવારથી હું ત્રાસી ગયેલો. એક દિવસ ઘરમાંથી પૈસા ને દાગીના લઈને એ નાસી ગઈ. ત્યાર બાદ મારી સંભાળ મારે જ લેવાની આવી.’
‘પછી તો તું મોટો પણ થઈ ગયો હશે ને !’
‘હા, હવે હું નિશાળે જતો થયો. સવારે મા મને સ્કૂલે મૂકી જતી. સાંજે મને સ્કૂલે લેવા આવતી. પણ ઘણી વાર એવું બનતું કે હું નિશાળેથી વહેલો છૂટી જાઉં, અને ત્યારે હું મારી મેળે ઘરે આવી જતો. તો બારણે તાળું હોય. હું ઓટલે ઝોંકા ખાતો ભૂખ્યો-તરસ્યો બેસી રહેતો. તેમાં મા આવીને મને વઢતી. ક્લિનિકે જઈને કેમ ન બેઠો ? ત્યાં બેસીને લેસન કરતો હોય તો ! અને ઘરે આવીનેય એ તો રોજ એના કામમાં ડૂબેલી હોય. ઘરકામ કરતી હોય કે સ્કૂલેથી લાવેલી નોટો તપાસતી હોય. મને કહી દે, લેસન કરવા બેસી જા, તને ખાવા ન બોલાવું ત્યાં સુધી મને ડિસ્ટર્બ કરતો નહીં.’
‘ઠીક, પણ રવિવારે તો બંને ઘરમાં રહેતાં હશે ને ?’
‘હોય કાંઈ ? રવિવાર તો મારા માટે જેલનો દિવસ. રવિવારે પણ બાપનું બપોર સુધી દવાખાનું ચાલે અને ખાઈને થોડો આરામ કરી કલબમાં ચાલ્યા જાય. મા પણ કલબમાં જાય કે એનાં મંડળોમાં જાય. અને છાસવારે બહાર પાર્ટીમાં બંનેને જવાનું હોય. રાતે બહુ મોડેથી આવે, ત્યારે હું ટીવી વગેરે જોઈને થાકી-કંટાળીને સૂઈ ગયો હોઉં.’
‘તારા કોઈ દોસ્તાર નથી ?’
‘અમારી બિલ્ડિંગમાં તો મારી ઉંમરના કોઈ નહીં. અમારી સામે ઝૂંપડપટ્ટીમાં હતા, પણ એમની સાથે રમવાની કે હળવા-ભળવાની મને સખત મનાઈ. કહે, એ લોકો સાથે મળવાથી ખોટાં સંસ્કાર પડે !’
‘ત્યારે, એમ છે. એટલા વાસ્તે તારે રીવોલ્વર જોઈએ છે ? તારું ધ્યાન ન રાખનારને ખતમ કરવા છે ?’
‘હા, રિવોલ્વર – ત્રણ ગોળી સાથેની.’
‘બે તો સમજ્યા. પણ આ ત્રીજી ગોળી કોના માટે ? તારા માટે કે મારા માટે ?’
રાજુ બે ઘડી મૂંગો રહ્યો. એના ચહેરા ઉપર નરી દીનતા છવાયેલી હતી. પછી તેણે ઊંચે આકાશ સામે જોયું અને ધીમે ધીમે એક એક શબ્દ ઉચ્ચારતો એ બોલ્યો : ‘ત્રીજી ગોળી એ અનાથાશ્રમના વ્યવસ્થાપક માટે, જેણે મારાં આજનાં કહેવાતાં માબાપને મને દત્તક લેવાની પરવાનગી આપી…!!’

શ્રી. પી. રાજાની અંગ્રેજી વાર્તાને આધારે (‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી)
**_/\_**

રવિવાર, 29 ડિસેમ્બર, 2013

જીવનમાં નિશાન - વાર્તા.



પશ્ચિમના કોઇ દેશમાંથી એક યુવાન બાણવિદ્યા શિખવા માટે ભારત આવ્યો. ભારતના બાણવિદ્યાના નામાંકિત શિક્ષકનો એણે સંપર્ક કર્યો અને કહ્યુ કે મારે આપની પાસેથી બાણવિદ્યા શિખવી છે. પેલા શિક્ષકે આ યુવાનને એટલું જ કહ્યુ કે બાણવિદ્યા શિખવા માટે સૌથી મહત્વની બાબત નિરિક્ષણ છે. હું વિદ્યાર્થીઓને શિખવી રહ્યો છું તું નિરિક્ષણ કર. 

ગુરુજી રોજ પોતાના વિદ્યાર્થીઓને બાણવિદ્યા શિખવે અને આ પશ્ચિમમાંથી આવેલો યુવાન એ ધ્યાનથી જુવે. ધીમે ધીમે એને સમજાવા લાગ્યુ કે બાણ કેમ ચડાવવાનું , પણછ કેમ ખેંચવાની, ક્યાં સુધી ખેંચવાની, વગેરે. એણે પોતે હવે નિશાનને પાર પાડવા માટે પ્રયાસ કર્યો પણ એ નિષ્ફળ રહ્યો. ગુરુજીએ માત્ર એટલું જ કહ્યુ કે બેટા હજુ વધુ નિરિક્ષણ કરવાની જરુર છે. 

યુવાન વધુ પ્રેકટીસ કરવા લાગ્યો અને એક દિવસ એણે નિશાન પાર પાડ્યુ એ તો એકદમ રાજી થઇ ગયો અને નાચવા કુદવા લાગ્યો. ગુરુજી પાસે જઇને કહ્યુ કે મને હવે બાણવિદ્યા આવડી ગઇ છે હું નિશાન પાર પાડી શકુ છું. ગુરુજી એ કહ્યુ કે ચાલ મને પ્રેકટીકલ કરીને બતાવ એમ કહીને ગુરુજીએ નિશાન જે જગ્યાએ હતું તે બદલ્યુ. પેલા યુવાને હાથમાં બાણ લીધુ અને નિશાન તાકતો હતો ત્યાં જ ગુરુજી બોલ્યા કે તને બાણવિદ્યા આવડતી જ નથી હજું તું નિરિક્ષણથી કંઇ જ શિખ્યો નથી.

યુવાન મુંઝાયો કે હજુ તો મે નિશાન પાર પાડ્યુ પણ નથી ત્યાં તો ગુરુજીએ એમ પણ કહી દીધુ કે તને બાણવિદ્યા આવડતી પણ નથી. એણે નિશાન તાક્યુ પણ તીર નિશાના પર ના લાગ્યું. એ વિચારમાં પડી ગયો કે બાકીના બધા જ વિદ્યાર્થીઓ સારી રીતે નિશાન પાર પાડી શકે છે મારાથી જ કેમ નથી થતું ? એણે વધુ એકાગ્રતા સાથે નિશાન તાકી રહેલા ગુરુજી અને અન્ય વિદ્યાર્થીઓનું નિરિક્ષણ કરવાનું નક્કી કર્યુ.

થોડા સમય બાદના એકાગ્રતાપૂર્વકના નિરિક્ષણથી એને સમજાઇ ગયુ કે એ લોકો શા માટે નિશાન તાકવામાં સફળ જાય છે. યુવાને ગુરુજીને કહ્યુ કે હવે મને પણ સમજાઇ ગયુ છે અને હું પણ નિશાન તાકી શકીશ. ગુરુજીએ એને નિશાન તાકવા માટે કહ્યુ. યુવાને હાથમાં બાણ લીધુ અને નિશાન તાક્યુ ત્યાં જ ગુરુજી બોલ્યા , “ શાબાસ, બેટા હવે તને બાણવિદ્યા આવડી ગઇ છે.” એ યુવાનને હવે સમજાયુ કે નિશાન તાકતી વખતે સૌથી મહત્વનું તમે કેવા રીલેક્સ છો એ છે જો તમે ચિંતામુક્ત બનીને રીલેક્સ મુડમાં નિશાન તાકો તો ચોક્કસ તે નિશાન પાર પડે જ એમા શંકાને કોઇ સ્થાન નથી. 

ઉપસંહાર :
આપણે પણ આપણા જીવનમાં ઘણાબધા નિશાન તાકવાના છે. આ નિશાન તાકતી વખતેનું વાતાવરણ કેવું છે એ મહત્વનું છે. જ્યારે જીવનના આ ધ્યેયોને પાર પાડવા માટેના પ્રયાસો કરીએ ત્યારે આપણે શાંત અને ચિંતામુકત બની શકીએ છીએ ? જો જવાબ હા હોઇ તો આપણને પણ નિશાન પાર પાડવાની ચાવી મળી ગઇ છે.


>>>>>>>>>>>>>>>>>>>>>>>>>*__*<<<<<<<<<<<<<<<<<<<<<<<<<

સમર્થ ગુરુ રામદાસ - છત્રપતિ શિવાજી


સમર્થ ગુરુ રામદાસ પોતાના તમામ શિષ્યોમાંથી છત્રપતિ શિવાજીને અધિક ચાહતા હતા. બાકીના શિષ્યો ઘણીવાર અંદરોઅંદર વાતો કરતા કે શિવાજી સમ્રાટ છે એટલે ગુરુજી એને આપણા બધા કરતા અધિક ચાહે છે. સ્વામી રામદાસને જ્યારે આ વાતની જાણ થઇ ત્યારે એમણે શિષ્યોનો ભ્રમ દુર કરવાનું નક્કી કર્યુ. 

એકદિવસ સ્વામી રામદાસ શિવાજી સહીતના બધા શિષ્યો સાથે જંગલમાંથી પસાર થઇ રહ્યા હતા. સાંજ પડવા આવી એટલે જંગલમાં જ એક સુરક્ષિત જગ્યાએ રાત્રી રોકાણ કર્યુ. ભોજન લઇને બધા સુઇ ગયા અને થોડીવારમાં સ્વામી રામદાસનો કણસવાનો અવાજ સંભળાવા લાગ્યો. બધા શિષ્યો જાગી ગયા. અને ગુરુજીને કણસવાનું કારણ પુછ્યુ તું રામદાસજીએ જણાવ્યુ કે તેમને પેટમાં દુખાવો ઉપડ્યો છે. બાકીના શિષ્યો ગુરુજીને કણસતા જોઇ રહ્યા પરંતું શિવાજીએ પુછ્યુ , ગુરુજી આપનો આ પેટનો દુખાવો મટાડવાનો કોઇ ઉપાય ખરો ?”

ગુરુજી એ કહ્યુ , “ જો થોડુ સિંહણનું દુધ દવા તરીકે લેવામાં આવે તો આ દુખાવો મટી જાય.” 


શિવાજી એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર એક પાત્ર લઇને રવાના થઇ ગયા અને થોડા સમય પછી એ પાત્રમાં સિંહણનું દુધ લઇને પરત આવ્યા.

પોતાના જાનની પરવા કર્યા વગર ગુરુજી માટે દુધ લાવેલા શિવાજીને જોઇને સ્વામી રામદાસે બાકીના શિષ્યોને કહ્યુ , “ જુવો બધા, આ શિવો પોતાના જીવ પર ખેલીને મારા માટે સિંહણનું દુધ લાવ્યો. હવે તમને સમજાયુ કે શિવા પ્રત્યે મારો સ્નેહ અધિક કેમ છે ? મને પેટમાં કોઇ દુખાવો નથી આ તો માત્ર તમારી ભ્રાંતિ દુર કરવાનો મારો પ્રયાસ હતો. મને લાગે છે કે હું મારા પ્રયાસમાં સફળ રહ્યો છું.”

ઉપસંહાર :
કોઇનો પ્રેમ પ્રાપ્ત કરવો હોઇ તો જાત સમર્પિત કરવી પડે. જેનું શિષ્યત્વ સ્વિકાર્યુ હોય એવા ગુરુને પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર બીજા શિષ્યો કરતા કંઇક અધિક પ્રાપ્ત કરે છે હા શરત માત્ર એટલી છે કે ગુરુ લાયક હોવા જોઇએ.


શુક્રવાર, 27 ડિસેમ્બર, 2013

“ફુવડ સ્ત્રી અને એક ગુલાબ !” – ડો.આઇ.કે.વીજળીવાળા



ડો.આઇ.કે.વીજળીવાળા ના ‘મોતીચારો’ શ્રેણીના પુસ્તક ‘પ્રેમનો પગરવ’માંથી એક વાર્તા

“ફુવડ સ્ત્રી અને એક ગુલાબ !” – ડો.આઇ.કે.વીજળીવાળા

એક ગામમાં એક અત્યંત ફૂવડ સ્ત્રી રહેતી હતી. એ એટલી બધી ગોબરી હતી કે કોઈ એના ઘરે જવાનું પણ પસંદ ન કરતું. એને જોઈને લોકો મોં બગાડતા, છતાં એ સ્ત્રીના વર્તનમાં કોઈ જ ફેરફાર થતો નહીં.

એક દિવસ કોઈએ એ સ્ત્રીને એક ગુલાબ ભેટમાં આપ્યું. લાંબી ડાળખી સાથે એ ગુલાબનું ફૂલ ખૂબ જ સુંદર લાગતું હતું. એ ફૂવડ સ્ત્રીને પણ ગુલાબનું સૌંદર્ય અત્યંત આકર્ષી ગયું હતું. એણે એના ટેબલ પર પડેલા ફલાવરવાઝ (ફૂલદાની)માં એ ગુલાબને ગોઠવી દીધું, પરંતુ એ સાથે જ એક તકલીફ ઊભી થઈ. ગુલાબનું ફૂલ એટલું બધું સરસ લાગતું હતું કે પેલી ફૂલદાની એની પાસે ગંદી દેખાવા લાગી. એના પર દિવસોની ધૂળ જામી હતી એ સ્પષ્ટ દેખાવા લાગ્યું.

એ ફૂવડ સ્ત્રીએ થોડીક વાર સુધી તો એ જોયું ન જોયું કર્યું, પરંતુ પછી એનાથી ન રહેવાયું. ઘણાં વરસ પછી એણે એ ફૂલદાનીને બરાબર ધોઈને ચોખ્ખી કરી નાખી. ચકચકિત ફૂલદાનીમાં ડાંડલી સાથેનું એ ફૂલ એણે ગોઠવી દીધું. પછી એ કેવું લાગે છે તે જોવા એ બે ડગલાં પાછળ હટી, પરંતુ એ સાથે વળી એક ઉપાધિ ઊભી થઈ ! હવે ટેબલ ગંદું દેખાતું હતું ! આટલા સરસ ગુલાબની આજુબાજુ ટેબલ પર પડેલ કચરો એ સ્ત્રીથી સહન ન થઈ શક્યો. એણે આખું ટેબલ સાફ કરી નાખ્યું. એને એ પણ યાદ નહોતું કે છેલ્લે એણે એ ક્યારે સાફ કરેલું ! ટેબલ સાફ કરી, એના પર પેલી ગુલાબના ફૂલ સાથેની સ્વચ્છ ફૂલદાની ગોઠવતાં એને અત્યંત ખુશી થતી હતી. હવે એ સહેજ દૂર ઊભી રહીને આ દશ્ય જોવા લાગી. પરંતુ સૌથી મોટી ઉપાધિ તો બાકી જ હતી ! હવે એને ટેબલની સરખામણીમાં આખો રૂમ જ ગંદો લાગવા માંડ્યો હતો ! જોતજોતામાં એ સ્ત્રીએ પોતાનું ઘર તેમ જ આંગણું વાળીને ચોખ્ખું ચણાક કરી નાખ્યું !


ઉપસંહાર :
જિંદગીના એકાદ ખૂણે થોડોક જ પ્રકાશ ફેલાય તો આપણે સમજી પણ શકીએ એ પહેલાં આપણા જીવનનો ખૂણેખૂણો પ્રકાશિત અને ઊજળો બની જતો હોય છે. બસ, જરૂર હોય છે એક કિરણને અંદર આવવા દેવા જેટલી જગ્યા કરવાની !


સૌજન્ય :- રીડગુજરાતી.કોમ
પુસ્તક પ્રકાશન અને પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠની કંપની.

શનિવાર, 7 ડિસેમ્બર, 2013

સુખનું સેલ


એક મિત્રે આવીને કહ્યું ૫૦ ટકા ડીસકાઊંટ માં સુખનું સેલ લાગ્યું છે.
અમે તો કાલે જ જવાના છીએ એટલું કહી એ તો ગયા. 
તે મારી સામે જોયું એટલે મેં કહ્યું કાલ આપને પણ જઈ આવીએ. 
પહેલી વાર સુખનું સેલ હતું. 
અમે ગયા બહુ જ લાંબી લાઈનો . 
મેં પૂછ્યું અહી શું મળે ? 
તો લાંબી લાઈનમાંથી કોઈ બોલ્યું : ગાડી, બંગલા, વિશ્વ ની ટુર, પદ, પ્રતિષ્ઠા, પૈસો, ડાયમંડ, સોનું અને બધી જ લકજરી...
પણ મળતા વાર બહુ લાગે . 
એટલામાં કોઈએ કહ્યું આગળ પણ કોઈ સુખનું સેલ છે પણ કોઈ ત્યાં જતું નથી કારણકે ચાલીને જ જવાય છે વાહનનો પરવાનગી નથી. દુર ઘણું છે . 
તે મને ઈશારાથી કહ્યું ચાલો ત્યાં જૈઈયે . 
તાપ અસહ્ય હતો. 
ચાલતા ચાલતા તારો ચહેરો તો ગુલમ્હોર જેવો લાલ લાલ થઇ ગયો હતો. 
આ રસ્તે કોઈ જતા દેખાતા ન હતા . 
ગળે શોષ પડતો હતો. 
એક નાનો જાપો હતો, ધીમેથી ખોલીને અંદર ગયા. ઘટાદાર બે વ્રુક્ષ હતા, ચોખ્ખો ઓટલો હતો. આપણે બેઠા . 
ઠંડો પવન ફૂંકાયો ને આપણા ચહેરા પર આનંદ ની રેખાઓ ઉપસી આવી. 
નીરવ શાંતિ હતી. 
કોલાહલો વચ્ચે તરફડતા આત્મા ને જોઈએ તેવી શાંતિ.
એક વૃદ્ધ પુરુષે આવીને ઠંડુ જળ પીવડાવ્યું . 
એની આંખોમાં અજબની શાંતિ હતી તે એમને પૂછ્યું બાબા અહી ક્યાં પ્રકારના સુખ મળે છે ? 
તે બોલ્યા માંહ્યલો રાજી થાય એવા. આગળ જાઓ સરસ જરનું વહેતું હતું .
આપણે બહુ મજાથી પાણી ઉડાડ્યું . 
આગળ જમવાની સગવડ હતી. 
દરેક કોળીયે ખબર પડે કે આટલી મીઠાશ આપણે પહેલા કેમ ચાખી નથી? 
પીરસનાર દરેક એમ જ કહે કે શાંતિથી અને સંતોષથી જમજો. 
જેમ જેમ ખાતા ગયા વિચારો બદલાતા ગયા . 
જીવન જીવવાનો નવો ઉત્સાહ જાગતો ગયો. 
પાછા વળતા પેલા વૃદ્ધ પુરુષને વંદન કાર્યા. 
તેમણે કહ્યું અમે તો શાંતિ અને સંતોષ , પ્રેમ અને કરુણા જ હૈયાની પોટલીમાં ખબર ના પડે એમ બાંધી આપીએ છીએ . 
આપણે બહાર નીકળ્યા ઘર તરફ આવવા ને મને રસ્તા માં યાદ આવ્યું કે સામેવાળા કાકાને બહુ ઉધરસ આવે છે તો મધ અને સીતોપલાડી લેતા જૈયે અને તે કહ્યું કામવાળીના બે બાળકોની ફી ભરીને જ ઘરે જૈયે . 
આપણા ચહેરા ઉપરનો સંતોષ જોયા વગર નીચે વાળા આપણને પૂછવા લાગ્યા કેમ સુખના સેલમાંથી કશું લાવ્યા નહિ...!!!

રચયિતા : મુકેશ જોશી