લેબલ General સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ General સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

સોમવાર, 27 મે, 2019

ફાયર એસ્કેપ બાબત જાગૃતિ.

સૂરતના ટ્યૂશન ક્લાસિસ અગ્નિકાંડની દૂઃખદ ઘટના બાદ લોકોમાં પણ “ફાયર ઍસ્કેપ” બાબતે જાગૃતિ જરૂરી છે.

ઘર, હૉટેલ, મૉલ જેવી બિલ્ડીંગની આગમાં ઘેરાઇ જાઓ ત્યારે નીચેની તકેદારી રાખો.

(૧) સળગતી આગમાં ઘેરાઇ જાઓ ત્યારે સૌથી પહેલી અને સૌથી અગત્યની બાબત એ છે કે રઘવાયા (પેનિક / panic) ના થઇ જાઓ બલ્કી તરત દિમાગ ચલાવીને બચવાના પ્રયાસો વિશે વિચારી લો. રઘવાયા થવાથી તમારા કાર્યક્ષમ નિર્ણયોના બદલે તમે અવળો નિર્ણય લઇ બેશો એની પૂરી શક્યતા છે.

(૨) તરત જ નજીકના નિકાસ દ્વાર સુધી પહોંચો. નિકાસ દ્વાર પર જ જો આગ લાગી હોય તો તેનાથી દૂરના દરવાજા-બારીનો ઑપ્શન વિચારી લો.

(૩) પાણીની સગવડ ઉપલબ્ધ હોય તો સમગ્ર કપડાં પલાળીને ભીના થઇ જાઓ જેથી આગમાં જલવાની શક્યતાને ઘટાડી શકાય. ભીના રૂમાલ/દુપટ્ટાને મોઢા આગળ વિંટાળી લો જેથી માથું સલામત રહી શકે અને ભીના રૂમાલ દ્વારા શ્વાસ લેવાથી ધુમાડો શ્વાસમા આવી જવાની ઘટનાથી બચી શકો.

(૪) આગની દુર્ઘટના વખતે લોકો આગ થી નહીં પણ ધૂમાડાથી બેહોશ થઇને વધુ મરે છે. તેથી રૂમમાં ફેલાયેલા ધૂમાડાથી બચવા જમીન સરસા પડી જાઓ. ધુમાડો હંમેશા રૂમમા ઉપર તરફ ઘેરાયેલો હોય છે. ફ્લૉર લૅવલે તમને જરા વધુ શ્વાસ લેવાની શક્યતા મળશે. મગરની જેમ ક્રાઉલીંગ કરતા જઇને નિકાસ દ્વાર તરફ જાઓ.

(૫) ઘરમાં / હોટલમાં હો તો બાથરૂમ તરફ જાઓ. શાવર અને ઍક્ઝોસ્ટ ફેન ચાલુ રાખો. બાથટબ હોય તો તેને પાણીથી પુરૂ ભરી દો જે તમને આગની જ્વાળાથી બચાવશે.

(૬) અગ્નિશામક સાધનો/ ફાયર એક્સ્ટીંગ્વીશર વાપરતા ના આવડતું હોયતો તેનાથી આગ ઓલવવાના પ્રયત્નમાં સમય ના બગાડો, પણ જલ્દી તે આગવાળી જગ્યા છોડી દો.

(૭) લિફ્ટ નહીં પણ સીડીનો ઉપયોગ કરો એ તો સૌથી વધુ કોમન સૂચના છે પરંતું યાદ રાખો કે ચાલુ આગમાં જેમ બને તેમ નીચેના ફ્લૉર પર જાઓ. ગ્રાઉન્ડ ફ્લૉર તરફ જવાથી બચવાના ચાન્સ વધુ રહે છે કારણકે ઉપરના માળ તરફ જવાથી તો આગની જ્વાળાઓ અને ધુમાડો વધુ ને વધુ ઉપરના માળે ફેલાશે.

(૮) દરવાજો/બારી ખોલતા પહેલા ચોક્કસ થાઓ કે તેની પાછળ આગ લાગી નથી, અને પાછળ ધુમાડો નથી. કદાચ એવું બને કે દરવાજો /બારી ખોલતાવેંત આગની લપકતી જ્વાળા અથવા ધુમાડો અંદર ધસી આવે. આવા સંજોગોમાં ધુમાડો અંદર ના પ્રસરે તે માટે દરવાજાની નીચેની ફાટમાં પગલૂંછણીયું, કપડાં કે ન્યુઝપેપર ભરાવીને ફાટ પૂરી દો.

(૯) પાટિયા, દોરડા, કપડાં, ચાદર, પડદા, દુપટ્ટા જેવા જે હાથ લાગે તે સાધનોથી લટકીને નીચેના માળ/સલામત જગ્યા તરફ જવાની કોશિશ કરો. બિલ્ડીંગમા ફીટ કરેલી પાણી/ગટરની પાઇપલાઇન પકડીને સાવચેતીથી સલામત સ્થળે સરકવાની કોશિશ કરો.

(૧૦) કોઇ રસ્તો નથી બચ્યો અને તમારે જો અમુક ઊંચાઇએથી કુદવું જ પડે તેમ છે તો પ્રમાણમા ખૂલ્લી જગ્યા જોઇને એવી રીતે ઉભી દિશામા કૂદો કે તમારા પગ જમીન પર પહેલા આવે. જમીનને સ્પર્શ થતા વેંત તરત
ઘુંટણથી પગ bend કરી દો એનાથી ઘુંટણમાં ઈજા ઓછી થાય છે અને ગૂંલાટ મારીને રોલ થઇ જવાની માનસિક તૈયારી રાખીને કુદવું. તમારું પોતાનું વજન વત્તા ઉંચાઇથી મારેલો કુદકો આખરે તમારા શરીરનું તેજ મોમેન્ટમ બનાવે છે. જમીન પર પડતાવેંત ગુંલાટ મારી દેવાથી મોમેન્ટમા ભેગી થયેલી સમગ્ર ઉર્જા બિખેરાઇ જાય છે અને શરીર ને વધુ મોટા પ્રમાણમા અસ્થિભંગ થવાથી બચાવે છે.

ફાયર એસ્કેપના આ નિયમો વાંચીને યાદ કરી રાખો. ફેમિલી સાથે ચર્ચા કરો ને બધા પોઇન્ટ યાદ કરી રાખો.
સાવચેતી એ જ સાવધાની.

મંગળવાર, 5 જુલાઈ, 2016

आषाढस्य प्रथम दिवसे...



       આજે અષાઢ મહિનાની અજવાળી એકમ અર્થાત અષાઢનો પ્રથમ દિવસ...
કવિરાજ કાલીદાસનો જન્મ દિવસ,
અને સાથે સાથે સંસ્કૃતોત્સવ તો ખરો જ...

ગાંધીનગરનાં ટાઉનહોલમાં આજે હકડેઠઠ મેદની વચ્ચે માનનીય રાજ્યપાલ મહોદયનાં અધ્યક્ષ સ્થાને આ ઉત્સવ દર વર્ષની જેમ જ રંગે ચંગે ઉજવાશે. 
સંસ્કૃતવિશ્વથી અજાણ લોકો એ આ ઉત્સવ માણવા ખાસ જવું જોઈએ.

ગુરુવાર, 10 જુલાઈ, 2014

જયા પાર્વતી ... !!


          એક એવું વ્રત કે જેમાં બાલિકા થોડાક દિવસ યુવતી બની જાય છે...!!

આજે મોર્નીંગ વોક પર જતા રસ્તામાં ઘણી બાલિકાઓ તથા યુવતી ઓ નવ વધુ ની જેમ સાજ શણગાર સજેલી જોવા મળી.
હાથમાં પૂજાની થાળી,
બીજા હાથમાં જળ ભરેલો કળશ,
મોઢા પર મંદ મંદ હાસ્ય,
સખીઓ સાથે થતી અલક મલકની વાતો,
અને ખાસ તો
'પોતે સજી ધજી ને તૈયાર થઇ છે તો કોઈ નું ધ્યાન પોતાના પર પડે છે કે કેમ ??'
જેવો મહાપ્રશ્ન મનમાં જ મમળાવતી કુંવારિકા ઓ ને જોઇને થોડીવાર તો એમ થયું કે ઇન્દ્ર એ અપ્સરાઓ તો નથી મોકલીને ??!!!

પણ પછી યાદ આવ્યું કે મારે તો કોઈ વ્રત નથી...!! :P

છતાં પણ "આંખોને ઠંડક મળી ગઈ ..!!"

આભાર...

એમ થયું કે આજના દિવસ માટે કંઈક લખું,
પણ પછી કોઈ ટોપિક ના મળતા આજની ડાયરી જ અહિયાં લખવાનું મન થયું  ...
અને લખી જ નાખું.!!

એક  ,જ્યારે લોકો વ્રત કે તહેવાર ને આજ કરતા કંઈક અલગ રીતે ઉજવતા..
આજે પણ ઉજવણી થાય જ છે,
પણ થોડીક આધુનિકતા ભળી છે..
અને એ સારું પણ છે કે આપણાં ઉત્સવોને આધુનિકતા ના રંગે રંગીને પણ 'ઉત્સવ ઘેલી' આપણી ભવ્ય પરંપરાને જીવંત રાખવાનો એક સુંદર પ્રયાસ થઇ રહ્યો છે,
જે એક "સ્વીકારેબલ" વાત છે...!!

છે ને ?


શનિવાર, 10 મે, 2014

મધર્સ ડે



આ મધર્સ ડે નિમિત્તે કેટલીક પંક્તિઓ આપ સૌ સાથે વહેચું છું.


મમ્મી આજે તને "મા" કહેવાનું મન થાય છે.
બધું જ છોડીને નાનું બાળક થઇ જવાનું મન થાય છે. 

મમ્મી , સોફો છોડીને તારા ખોળામાં બેસવાનું મન થાય છે,
ઓશીકું છોડીને તારા પગ પર માથું રાખીને સુવાનું મન થાય છે.

મમ્મી, પંચ તારક હોટલ નું છોડીને તારા હાથોનું ખાવાનું મન થાય છે,
ચાઇનીઝ, પંજાબી છોડીને તારા હાથની શાક રોટલી ખાવાનું મન થાય છે. 


મમ્મી, ક્રિકેટ - ફૂટબોલ છોડીને તારી સાથે દોડ પકડ રમવાનું મન થાય છે,

નોકરી છોડીને તારી જ પાસે બેસવાનું મન થાય છે.



મમ્મી, આ ભવ્ય કહેવાતી મર્સિડીઝ માંથી બહાર નીકળી તારી આંગળી પકડી ચાલવાનું મન થાય છે,

બી.એમ.ડબ્લ્યુ. ની સેફટી છોડી તારી આંગળી પકડી રસ્તો ક્રોસ કરવાનું મન થાય છે.


મમ્મી, આ એ.સી. રૂમ છોડીને તારી સાથે બાલ્કનીમાં બેસવાનું મન થાય છે,

આ માથું પકાવતી મીટીંગ છોડી તારી સાથે કલાકો સુધી વાતો કરવાનું મન થાય છે.


મમ્મી, આ હોલીવૂડ - બોલીવૂડ ની ફિલ્મો છોડી તારી મધુર શૈલી ની વાર્તાઓ સાંભળવાનું મન થાય છે,

ઘોન્ઘાટીયા ફિલ્મી ગીતો છોડી તારા કંઠેથી નીતરતા હાલરડાં સાંભળવાનું મન થાય છે.


મમ્મી, છંદ - પ્રાશ વગરની કવિતા લખી આ લાગણી વ્યક્ત કરવાનું મન થાય છે,

બસ એક વખત માટે "પવન" બની તારી સાડીના પાલવમાં વીંટળાઈ જવાનું મન થાય છે....


મમ્મી, આજે તને "મા" કહેવાનું મન થાય છે....!!

દુનિયાની તમામ માતાઓ ને સપ્રેમ અર્પણ.

સોમવાર, 13 જાન્યુઆરી, 2014

ઉત્તરાયણ ની શુભકામનાઓ...



મિત્રો,
ઉત્તરાયણ માં આપણે પતંગ ચગાવીને ઘણો આનંદ લુટીએ છીએ,

પતંગ ચગાવવાનો નિર્દોષ આનંદ માણવાની મજા જ કૈક ઓર છે.

કોઈ મેદાન માં ચગાવશે, 
કોઈ મકાનનાં ધાબા પર, 
તો કોઈ આઠ માળની ઊંચી અગાશી પર જશે. 
જેની પાસે ધાબું કે અગાશી નહિ હોય એ રસ્તા ઉપર જોવા મળશે...!!

ફરક એટલો જ હશે કે,

ધાબા-અગાશી વાળા પોતાનાં પતંગ ચગાવવા ની સાથે બીજાનાં ઉંચે ગયેલા પતંગ ને "કાપવાનો" પ્રયાસ કરશે.

અને

ધાબા-અગાશી વગરનાં "બીજાનાં  કપાયેલાં પતંગને નીચે નહીં પડવા દે...!!"

યાદ રાખજો,
"કાપ્યો છે....."
"એ..... લપે...ટ.."  કે પછી
"જો જા.....ય.." જેવા આપણા ગગનભેદી નાદ વચ્ચે
કોઈકનું "ટેહૂક" તો
કોઈકનું "કુ... ઉ..."
કોઈકનું “ચી ચી ...” તો
કોઈકનું “ઘુ ઘુ....ઘુ ...” ક્યાંક
હંમેશને માટે શાંત ન થઇ જાય...!!

આવો,
પતંગ ચગાવવાનો નિર્દોષ આનંદ નાનકડી એવી જવાબદારી સાથે માણીએ...
 આપનો
નીરવ જાની - “પવન”.



સોમવાર, 16 ડિસેમ્બર, 2013

વિચારતા કરી દે એવી વાત...

વિચારતા કરી દે એવી વાત...

માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલી એક જાપાનીઝ કંપની થોડી મુશ્કેલીમાં હતી. મુશ્કેલીનું કારણ માત્ર એટલુ જ હતું કે એ જે પ્રકારની માછલીઓનું વેચાણ કરતી હતી એવી માછલીઓ હવે જાપાનના સમુદ્રકિનારાથી ખુબ દુર હતી. આથી માછીમારી કરવા માટે દુર જવુ પડતુ હતુ અને દુરથી માછીમારી કરીને જ્યારે પરત ફરે ત્યારે આ વાસી માછલીનો સ્વાદ પણ ફરી જતો હતો અને લોકો તે ખરિદવાનું પસંદ કરતા ન હતા.

માછલીને વાસી થતી અટકાવવા માટે કંપનીએ એક મોટુ ડીપ-ફ્રિઝર લીધુ. માછીમારી કરવા જતી વખતે આ ડીપ-ફ્રિઝર પણ સાથે લઇ જવાનું અને માછલીને પકડીને આ ફ્રિઝરમાં મુકી દેવાની જેથી તે એવીને એવી તાજી રહે. થોડા સમયમાં જ કંપનીને સમજાઇ ગયુ કે લોકોને ફ્રિઝ કરેલી આ માછલી પણ પસંદ પડતી નથી કારણકે એને ફ્રીઝ કરવાથી તાજી માછલી જેવો સ્વાદ નથી આવતો.

કંપની પોતાના ગ્રાહકોને જાળવી રાખવા માંગતી હતી આથી હવે એક બીજો રસ્તો અપનાવ્યો. વહાણમાં જ પાણીની ટેંક બનાવી અને માછલીને પકડીને આ ટેંકમાં નાખવામાં આવે આથી માછલી જીવતી રહે અને કાંઠા સુધી જીવતી જ લાવી શકાય અને તાજી માછલીઓ ગ્રાહકને પુરી પાડી શકાય. કંપનીની આ તરકીબ પણ નિષ્ફળ રહી કારણકે માછલીઓ જીવતી તો હતી પરંતું નાની ટેંકમાં પડી રહેવાના કારણે એ સાવ જીવવગરની થઇ જતી એનામાં કોઇ તરવરાટ જોવા ન મળતો જેની તેના સ્વાદ પર પણ અસર થતી.

કોઇ એક કર્મચારીએ કંપનીને એક સુચન કર્યુ કે “ જે ટેંકમાં માછલીઓ રાખવામાં આવે છે એ ટેંકમાં એક નાની શાર્ક પણ રાખવી.” . મેનેજમેન્ટે કહ્યુ , “ પણ આનાથી શું ફેર પડશે?” . કર્મચારીએ જવાબ આપ્યો કે “ માછલીઓ ટેંકમાં નિષ્ક્રિય પડી રહે છે એટલે એની તાજગી જતી રહે છે. જો ટેંકમાં તેની સાથે નાની શાર્ક હશે તો એણે શાર્ક સાથે પોતાના અસ્તિત્વ માટે સતત લડાઇ કરવી પડશે અને એની આ સંઘર્ષયાત્રા જ માછલીને છેક સુધી તાજી રાખશે.” આ સુચન સ્વિકારવામાં આવ્યુ અને કંપની પોતાની મુશ્કેલીમાંથી બહાર પણ આવી ગઇ.

શાંત સમુદ્ર ક્યારેય સારા નાવિકો તૈયાર કરી શક્તો નથી તેવી જ રીતે સંઘર્ષ વગરનુ જીવન માણસને જીવતી લાશ જ બનાવી દે છે. પડકારો અને પ્રશ્નો જ માણસને સતત જીવંત રાખે છે...!!

ગુરુવાર, 20 જૂન, 2013

ક્ષણનો સાક્ષાત્કાર...!!

તમે તમારી પાછળ કયો વારસો મૂકી જાશો ?
વર્તમાન જીવનનાં અંત પછી આ ધરતી પર શું મૂકી જાશો ?
આ વાસ્તવ જગતમાં તમારી ઉપસ્થિતિ ના હોય અને છતાં આ જ જગતમાં તમારું શું ટકશે ?
જમીન-જાયદાદ, બંગલો કે ધનસંપત્તિ અથવા તો મુલ્યવાન ઘરેણા વારસામાં આપતા જશો ?
વસ્તુ રૂપે આપેલો વારસો ત્યાં સુધી જ જીવંત હોય છે, જ્યાં સુધી એ હસ્તાંતરિત થાય નહીં.
એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિ પાસે કે એક હાથમાંથી બીજા હાથ પાસે ગયા, એટલે સઘળું તમારું રહેતું નથી. જમીન કે બંગલો બીજા પાસે જશે એટલે એ તમારા નહીં રહે.
હકીકતમાં જિંદગીમાં વ્યક્તિ એ એક એવો હકારાત્મક (Positive) વારસો આપીને જવાનું છે કે જે અન્ય વ્યક્તિના સદાય સ્મરણમાં રહે. સામાન્યરીતે એવું બનતું હોય છે કે આપણે કોઈ વ્યક્તિને મળીયે અને બીજી જ ક્ષણે એને ભૂલી જઈએ છીએ, પરંતુ કોઈ એવી પણ વ્યક્તિ મળે છે કે થોડીવાર મળી હોય તો પણ જીવનભર એની દ્રષ્ટિ, એના વિચાર યાદ રહી જાય. એ વ્યક્તિત્વ આપણા દિલ-ઓ-દિમાગમાં એવી રીતે સમાઈ જાય કે જીવનનાં છેલ્લા શ્વાસ સુધી એ યાદ રહી જતું હોય છે.
આપણા જીવનમાં કોઈ ને કોઈ તો એવું મળ્યું જ હોય છે જે આપણને આવી રીતે યાદ રહી ગયું હોય.
તેનું કારણ સમજાય છે ??
કારણ છે એનો જીવન પ્રત્યે નો હકારાત્મક ભાવ.
એ આપી રહ્યા છે પોતાનો હકારાત્મક વારસો.
અને આપણા દિલ-ઓ-દિમાગમાં જે છાવાઈ ગયું હોય એ છે "તે વ્યક્તિનું હકારાત્મક વ્યક્તિત્વ"...
આપણા જીવનમાં આપણને મળતી દરેક વ્યક્તિ ને આપણે એવી રીતે મળીયે કે આપણે પણ સામે વાળી વ્યક્તિના દિલ-ઓ-દિમાગમાં છવાઈ જઈએ.
અફકોર્સ આપણે બધાય એવું ઇચ્છતા જ હોઈએ.
પણ એ માટે કરવું શું ??
સિમ્પલ છે,
તમે જ્યારે જીવન પ્રત્યે સંપૂર્ણ પણે હકારાત્મક વલણ ધરાવતા થઇ જાઓ પછી જે પણ વ્યક્તિને મળો ત્યારે એવીરીતે મળો કે એ સામે વાળી વ્યક્તિ તમારા પ્રેમ ભર્યા વર્તાવને યાદ રાખે,
તમે એના દુઃખોને શાંતિથી સાંભળ્યા હોય તો એનું સ્મરણ કરે,
એની વેદના જાણીને આશ્વાસન આપ્યું હોય કે કપરે સમયે મદદ કરી હોય તો તેને યાદ કરે.
આમ તમે જે કાઈ  કામ કરતા હો, તેની સાથે તમારી પોઝિટીવ એનર્જી નો સામેની વ્યક્તિને અનુભવ થવો જોઈએ. આ પોઝિટીવ એનર્જી વ્યક્તિને અધ્યાત્મ સાથે જોડે છે.
અને તમે એ વ્યક્તિ ને આપેલો આવો વારસો સમય જતા એના માટે અત્યંત મુલ્યવાન આધ્યાત્મિક વારસો બની રહે છે.
થોડું કહ્યું છે,
ઘણું કરીને વાંચશો...
.
આભાર.
આપનો "નીરવ જાની"
તા.ક. મને મારા વિદ્યાર્થી જીવન માં મારા મિત્રો "સ્વામી નીરવચરણ દાસજી મહારાજ" કહીને ચીડવતા...!!

રવિવાર, 16 જૂન, 2013

તને વ્હાલો વરસાદ કે હું ?

મને સાચ્ચો જવાબ દઈશ તું ?
તને વ્હાલો વરસાદ કે હું ?


તને વરસાદી વાદળોના વાવડ ગમે
કે મારા આ મળવાના વાયદા
તને મારામાં ખૂલવું ને ખીલવું ગમે
કે છત્રીના પાળવાના કાયદા
તને વરસાદી મોરલાનું ટેંહૂક ગમે
કે મારી આ કોયલનું કૂ
તને વ્હાલો વરસાદ કે હું ?


તને વરસાદી વાદળનું ચૂમવું ગમે
કે તરસી આ આંખોનું ઝૂરવું
હું ને આ વાદળ બે ઊભા જો હોઈએ
તો, કોનામાં દિલ તારે મૂકવું
તને આભમાં રમતું એ વાદળ ગમે
કે દરિયાનો કાંઠો ને હું
તને વ્હાલો વરસાદ કે હું ?


તને છોને વરસાદ હોય વ્હાલો, પણ
કોણ તને લાગે છે વ્હાલું વરસાદમાં
તને આટલું ચોમાસું વ્હાલું જો હોય
તો આંખો ભીંજાય કોની યાદમાં
આઠે મહિના મને આંખોમાં રાખે
ને ચોમાસે કહે છે જા છૂ
તને વ્હાલો વરસાદ કે હું ?

*
કવિ શ્રી મુકેશ જોષી વિરચિત

શનિવાર, 15 જૂન, 2013

જિંદગી, ચાલ ને આજે બેસીએ...!!


જિંદગી ચાલ આજે સામસામે બેસીએ ,
હાથમાં હાથ લઇ ,
આંખોમાં આંખો પરોવીને ,
કૈક સાંભળીએ અને કૈક કહીએ ......
તને આજે પ્રેમ કરવાનું મન થાય છે ,
તારા હૃદયમાં મારી છબી જોવાનું મન
થાય છે ,
તારા ખભા પર માથું ટેકવી
દૂર સુદૂર ક્ષિતિજને તાકવાનું મન થાય છે ....
ડૂબતા સૂરજને જોતા જોતા
આંખોમાં નવા સપનાઓ ઉગાડવાનું મન થાય
છે ....
આજે રાત્રે નિંદ્રાને રજા આપું છું
તેને આજે અલવિદા કહેવાનું મન થાય છે ....
આજે રાત્રે તારા ખયાલો સાથે
બહુ બધી વાતો કરવાનું મન થાય છે .....
તારી તસ્વીર હથેળીમાં રાખીને
બસ એકટશ જોવાનું મન થાય છે ......
વહી જતી રાત ને ચાંદ અને તારા સાથે
મારા તકિયા પર રોકવાનું આમંત્રણ
આપવાનું મન થાય છે .....
સૂરજને કહેજો કાલે મોડો ઉગે ....
આજની રાત્રીના અંધકારને
તારી યાદથી ઉલેચવાનું મન થાય છે ......

કવિતા


***
હું જાણું છું .
તું આજે પણ મારી લથપથ કવિતાને
સાવ નિર્લેપભાવે વાંચીને
ગડી વાળીને મૂકી દેતો હોઈશ બાજુ પર
એક કોરે !
ને છતાંય
આજે પણ હું તારા વિષે લખ્યા કરું છું
કવિતા ...!
ને એજ ઉત્સાહના ઉન્માદથી
જ્યારે તને મળીને
આપતી હતી કવિતા હાથોહાથ
-ત્યારે
તારા હાથના સ્પર્શથી થતા રોમાંચને આજે
પણ
કર્યા કરુછું યાદ ...
ને ફરી પાછું
મારું ભીન્જાયેલું મન
રચવા લાગે છે કવિતા તારા વિષે !
-કે જ્યારે
હું જાણું છું કે
તું આજે પણ
મારી આ લથબથ કવિતાને
મૂકી દેતો હોઈશ
એક કોરે !!
***
વાચકો ને નમ્ર વિનંતી કે આ પોસ્ટ મારી પોતાની "કૃતિ" ન માની લેશો.
કારણ કે..
"ગમતું મળ્યું તો અલ્યા ગુંજે નાં ભરીયે, ગમતાનો કરીએ ગુલાલ..." 
એટલે જ 
ફેસબુક પરથી જે કાઈ "ગમતું" મળ્યું એનો આપ સૌ સાથે "ગુલાલ" કરું છું.
ફેસબુક પર થી સાભાર.

શુક્રવાર, 14 જૂન, 2013

સારો વિચાર

.

પડદા પરનાં દ્રશ્યો જોઇને
જો આપણી આંખમાં આંસુ આવતા હોય
તો એને માટે શરમાવવા ની કોઈ જરૂર નથી,
કે પછી હૈયું કઠણ કરવાની પણ કોઈ જરૂર નથી.
કારણ કે એ આપણી સંવેદનશીલતાની જીવંતતા છે.
એ આપણામાં રહેલા "મનુષ્યત્વ" ને ઉજાગર કરે છે ...!!

.

બુધવાર, 12 જૂન, 2013

૧૨ પ્રકારના મેઘ

અંદરની ઊર્ધ્વમૂલ ખલેલ પામ્યા વિના વરસાદને નિહાળવાનું શક્ય ન હોય ત્યારે નછુટકે કલમને શરણે જવું પડે છે. 
આપણા ઋષિએ વરસાદને પર્જન્ય કહ્યો છે 
અને વળી એને પિતાને સ્થાને બેસાડ્યો છે.
વરસાદની જલધારાને પિતૃકૃપા ગણાવી શકાય તેમ છે.
જ્યારે ધરતી જળબંબાકાર બને અને હૈયું વરસાદમય બને ત્યારે એક એવી ઘટના બને છે,
જેમાં કામસૂત્ર, પ્રેમસૂત્ર અને બ્રહ્નસૂત્ર જેવાં ત્રણ ખાનાં ખરી પડે છે
અને રહી જાય છે
કેવળ મૌન!
એવી અવસ્થામાં ઊગેલા શબ્દો કવિતાની વંડી ઠેકીને પ્રાર્થનાની સીમમાં પહોંચી જતા જણાય છે.


આપણા ગુજરાતી લોકસાહિત્ય પ્રમાણે ૧૨ પ્રકારના મેઘ નું વર્ણન કરવામાં આવ્યું છે.

તેના ઉપરથી એક કહેવત પણ બનેલ છે કે "બારેય મેઘ ખાંગા"...

તો ચાલો આજે જાણીએ એ મેઘનાં ૧૨ પ્રકાર...

૧. ફરફરઃ જેનાથી માત્ર હાથપગના રૂંવાડા જ ભીના થાય તેવો નજીવો વરસાદ.
૨. છાંટાઃ ફરફરથી વધુ વરસાદ.
૩. ફોરાઃ છાંટાથી વધુ- મોટા ટીપાં.
૪. કરાઃ ફોરાથી વધુ પણ જેનું તરત જ બરફમાં રૂપાંતર થઈ જાય તેવો વરસાદ.
૫. પછેડીવાઃ પછેડી (ફેંટા જેવા સાથે રખાતા કપડાની ટુકડો)થી રક્ષણ થાય તેવો વરસાદ.
૬. નેવાધારઃ છાપરાના નેવા ઉપરથી (નળીયા ઉપરથી) પાણી વહે તેવો વરસાદ.
૭. મોલ મેહઃ મોલ એટલે પાકને જરૂરી હોય તેવો વરસાદ.
૮. અનરાધારઃ એક છાંટો, બીજા છાંટાને સ્‍પર્શી જાય અને ધાર પડે તેવો વરસાદ.
૯. મૂશળધારઃ અનારાધારથી તીવ્ર વરસાદ (મુશળ = સાંબેલું ). આ વરસાદને સાંબેલાધાર વરસાદ પણ કહેવામાં આવે છે.
૧૦. ઢેફાભાંગઃ વરસાદની તીવ્રતાથી ખેતરોમાં માટીના ઢેફા નરમ થઈ તૂટી જાય તેવો વરસાદ.
૧૧. પાણ મેહઃ ખેતરો પાણીથી છલોછલ ભરાઇ જાય અને કૂવાના પાણી ઉપર આવી જાય તેવો વરસાદ.
૧૨. હેલીઃ ઉપરના અગિયાર પ્રકારના વરસાદમાંથી કોઈને કોઈ વરસાદ સતત એક અઠવાડીયું ચાલે તેને હેલી કહેવામાં આવે છે.

(સૌજન્ય : વિકીપીડિયા, ભગવદગોમંડલ )

રવિવાર, 9 જૂન, 2013

સારો વિચાર ...!!

નમસ્કાર મિત્રો,
સુથાર જેમ લાકડાને વહેરતા પહેલા બે વખત માપે છે...
તેમ માણસે પણ બોલતા પહેલા બે વખત વિચાર કરવો જોઈએ...
કારણ કે....
ભાષામાં સભ્યતા નો અભાવ અને જીવન માં ભવ્યતાની અપેક્ષા કેટલા અંશે યોગ્ય કહેવાય ???
ઉપરથી "ઢોળ" ચડાવેલું બિહેવિયર ક્યા સુધી કરતા રહેશું ?
Be Original...!!
.
આપનો ...
નીરવ જાની ...