લેબલ મૌલિક સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ મૌલિક સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

ગુરુવાર, 3 ઑક્ટોબર, 2019

વરસાદ અને સ્વાર્થી લોકો

છેલ્લા કેટલાંક દિવસોથી વરસતાં ધોધમાર વરસાદને આજે વહેલી સવારે હથેળીમાં લીધો ત્યારે એ કંઈક શીખવી ગયો....

આજનો વરસાદ શીખવી ગયો કે
તમારું જયાં, જેટલું કામ હોય અને એ પૂરું થાય એટલે ત્યાંથી તાત્કાલિક નીકળી જવું. નહીંતર તમારું માન તો ઘટે જ પણ ઉલ્ટાનું ગાળો ખાવાનાં પણ વારા આવે...

વરસાદે કહ્યું, "આજનાં લોકો ખૂબજ ગણતરી બાજ છે. લોકોને તમારું જેટલું કામ હશે એટલો જ તમારો સ્વિકાર કરશે..."

વધુ વખત ઘરમાં લાશ પણ ન રાખવા ટેવાયેલી આ માણસ જાત કોઈને વધુ વખત યાદ પણ રાખી શકતી નથી...!!

અંગ્રેજીમાં એક વાત છે,
Everything in this world,
cross the limits,
becomes poison...

મર્યાદાની બહારનું બધુ જ ઝેર છે.
એ પ્રેમ હોય,
નફરત હોય
કે પછી વરસાદ.

આપણને બધાને કોઈ પણ પ્રવૃત્તિમાં દાખલ થતાં ખુબજ સુંદર રીતે આવડે છે પરંતુ એમા કેટલો સમય રહેવું અને ક્યારે નીકળી જવું એનો વિવેક આપણી પાસે નથી હોતો અને એટલે જ પરિણામ એ આવે છે કે આપણી વિદાય સુખદ હોવાને બદલે પીડા દાયક વધુ રહે છે...

૨ મહિના પહેલાં જેની કાગ ડોળે રાહ જોતાં હતાં એવાં વરસાદની આજે જવાની પ્રાર્થના કરીએ છીએ...

કદાચ આને જ 'વહેવાર' કહેતાં હશે...!!

આપણે એટલું ખાસ સમજી લેવું કે આપણે પણ આ પૃથ્વી પર વરસાદ જેવાં જ છીએ.
જેવું કામ પૂરું થયું કે તરત 'Pack-up' .
#ViaWhatsApp  #Sanskritwala

સોમવાર, 24 ઑક્ટોબર, 2016

Project Booklet

નમસ્કાર મિત્રો.
એક નવો વિચાર આવ્યો,
જે આપ સૌ સાથે શેર કરૂ છું.
જે લોકો ને વાંચવાનો શોખ છે,
પણ આજની દોડધામ ભરી જિંદગીમાં
વ્યસ્તતાનાં લીધે વાંચી નથી શકતા એ લોકો માટે ઉપયોગી એવો આ પ્રોજેક્ટ છે.
વિગતો નીચે આપી છે.
પ્રોજેક્ટ બુકલેટ
અઠવાડિયે એક વાર અથવા સમયાંતરે એક પુસ્તક ની ટૂંકી લેખિત માહિતી તથા 10 થી 15 મિનિટ ની ઓડિયો ક્લિપ રેકોર્ડ કરી વોટ્સએપ દ્વારા લોકોને પહોંચાડવી.

શનિવાર, 6 ઑગસ્ટ, 2016

પ્રેમ એટલે ? Part 1

એક પ્રેમી કપલની વાત છે.
બંને દરિયા કિનારે ફરવા ગયાં હતાં.
નાળિયેરીની નીચે બાંકડા પર બેઠાં હતાં ત્યારે તેણે નદીની રેત પર ધબકતું એક દૃશ્ય જોયું.
એક વૃદ્ધ કપલ એકબીજાનોહાથ પકડી ચાલતાં હતાં. બંનેના પગ ખુલ્લા હતા.
ભીની રેતીનો અહેસાસ બંને માણતાં હતાં.
જોકે નક્કી કરી શકાય એવું ન હતું કે બંનેના ચહેરા પર જે કુમાશ હતી અને દિલમાં જે ટાઢક હતી એ ભીની રેતી પર પડતાં ખુલ્લા પગથી હતી કે પછી એકબીજાના પકડાયેલા હાથની ઉષ્માથી.
પ્રેમિકા ઊભી થઇ અને એ વૃદ્ધ કપલ પાસે ગઇ.
પ્રેમી પણ તેની પાછળ ગયો. 

રવિવાર, 26 જૂન, 2016

સમજણ

થોડીક ના-સમજી થી ક્યારેક ચલાવી લેવું જોઈએ...
કારણ કે દુનિયામાં કોઈ જ વ્યક્તિ ક્યારેય 100% પરફેક્ટ હોતી નથી.
તમે એવું ઇચ્છતા હોવ કે તમારી વ્યક્તિ તમને સમજે,
તો પહેલા તમે તમારી જાત ને પ્રશ્ન પૂછી જુઓ કે તમે તેને સમજવા કેટલો પ્રયાસ કર્યો છે ?
એકલા હાથે તો કાંઈ થોડી તાલી પડતી હશે ?
***********
સંબંધ ટકાવી રાખવા એક જ વસ્તુ જરૂરી છે અને એ છે એકબીજા પ્રત્યેનો અતૂટ વિશ્વાસ.
વિશ્વાસ એ સંબંધ નો પાયો છે,
જેટલો મજબૂત એટલો દ્રઢ...
પણ જો એ પાયામાં જ "અતૃપ્તિ" - "કુ-તર્ક" - "ઉપેક્ષા" વગેરે જેવો લૂણો લાગી જાય તો સમગ્ર પાયો જ ખવાઈ ને ખોખલો બની જાય. અને સમયાંતરે એ સંબંધ રૂપી મજબૂત ઇમારત ધડામ દઈને જમીન દોસ્ત થઇ જાય...
ઇમારત પડયા પછી ખ્યાલ આવે કે આ તો કંઇક ભૂલ થઇ ગઈ...

રવિવાર, 21 ફેબ્રુઆરી, 2016

માતૃભાષાદિવસ 2016

માતૃભાષા એટલે માતા તરફથી વારસામાં મળેલી ભાષા.
જે ભાષામાં આપણે કાલું ઘેલું બોલીને આપણા તમામ સબંધી સ્નેહીઓ ને આનંદિત કર્યા એ ભાષા...
આજે વિશ્વ માતૃભાષા દિવસ છે અને સાથે સાથે મારે 'પરાણે આવી પડેલી' CCC ની પરીક્ષા પણ છે.
એકબાજુ એ પરીક્ષાનો અણગમો છે
તો બીજી બાજુ માતૃભાષા દિવસ નિમિત્તે કાંઈક લખવાનો ઉત્સાહ પણ છે...
જાણે વિચારો નું તુમુલ દ્વંદ ચાલી રહ્યું છે...
લોકો કહે છે મારી માતૃભાષા (ગુજરાતી) મરણ શૈયાએ છે...
મને તો એવું હરગીઝ નથી લાગતું...
આ આજનો યુવાન લખે જ છે,
વાંચે પણ છે...
ફક્ત એનું લખવા વાંચવાનું સ્થાન પુસ્તક-ચોપડી માંથી બદલાઈ ને ફેસબૂક અને વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા બની ગયું છે એટલું જ...
માતૃભાષા માં ઘણુય લખાય જ છે...
ખુબ ખુબ વંચાય પણ છે...
ફક્ત સ્થાન બદલાયું છે.

આજે જ્યારે અમુક અમુક લેખકો પરાણે પરાણે 'ઘુવડ ગંભીર' બની ને "માતૃભાષા મરણ પથારી એ છે..." એમ કહે છે, એ લેખકો ને મારું મારા બ્લોગ પર હાર્દિક નિમંત્રણ પાઠવું છું...
કારણ કે આ લખવૈયો પણ 2011 થી બ્લોગ પર સતત લખતો જ આવ્યો છે અને આજ સુધી માં એના બ્લોગ નાં મુલાકાતીઓની સંખ્યા પણ 17 હજાર થી વધી ગઈ છે...
જ્યારે લોકો એમ કહેશે કે ગુજરાતી મારી પરવારી છે અને કોઈએ એને બચાવવા કાંઈ જ ન કર્યું,
ત્યારે મને આત્મ સંતોષ થશે કે મેં આ બ્લોગ પર મારી જ માતૃભાષામાં લખી ને ગુજરાતી બચાવવા વિનમ્ર પ્રયાસ કર્યો જ છે...
આપ સૌ મુલાકાતીઓ નાં લીધે જ આ બ્લોગ લખાઈ રહ્યો છે... આપ સૌ નો ખુબ ખુબ આભાર.
માતૃભાષા દિવસની ખુબ ખુબ શુભકામનાઓ.
જય હિન્દ.

સોમવાર, 18 મે, 2015

ઓમ શાંતિ ...



થોડા દિવસ 'રિચાર્જ' થવા હિમાલયની ગોદમાં જઈ રહ્યો છું.

ખળ ખળ વહેતી ગંગામૈયાનાં ખોળે, 

કુદરતી સાન્નિધ્યમાં સત્સંગ-યોગ-ધ્યાન-પ્રાણાયામ-રીવર રાફટીંગ વગેરે કરીને,  

થોડા દિવસોમાં 'બેટરી ફુલ્લ' કરી નિયમિત 'બોધકથા' આપતો રહીશ...!!

ત્યાં સુધી,

હર હર મહાદેવ.


_/\_ પ્રણામ

હર હર ગંગે...


શનિવાર, 4 ઑક્ટોબર, 2014

તમારું 'સ્ટ્રેસ રીમૂવર' શું છે ?


આજનાં આર્ટીકલ નાં ટાઈટલ પરથી કોઈને એવું લાગશે કે આ સ્ટ્રેસ રીમૂવર એ વળી શું ?

આવો થોડું આરામથી સમજીએ.

          મિત્રો, જીવનમાં સામાન્યરીતે ઘણાય પ્રશ્નો આપણને મૂંજવી નાખનારા હોય છે. અને એ મુંજવણ થી ઉત્પન્ન થયેલો સ્ટ્રેસ ક્યારેક આખી લાઈફ ને સિરિયસ બનાવી દે છે. દરેક પ્રશ્ન ને એકદમ હળવાશ થી લેનારી વ્યક્તિ એટલી સિરિયસ થઇ જાય છે કે જીવનમાં એને 'હળવાશ જેવું પણ કઈક છે' એ વાત જ ભુલાઈ જાય છે. અને પછી જ્યારે સ્ટ્રેસ નો માસ્ટર સ્ટ્રોક લાગે ત્યારેમનોચિકિત્સક કે ન્યૂરોસર્જન નાં દવાખાના નાં સ્પેશિયલ આઈ.સી.યુ. માં પડ્યા પડ્યા ભાન થાય કે, "યાર, હું આ સ્ટ્રેસ ને દૂર કરી જ શક્યો હોત" પણ ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે. નજીવી બાબતોમાંથી સહજ પણે મનો મસ્તિષ્ક પર હાવી થઇ જતા આ સ્ટ્રેસ ને દૂર ભગાડવા માટે દરેકનું પોતાનું એક આગવું 'સ્ટ્રેસ રીમૂવર' હોવું અત્યંત આવશ્યક છે.

સચિન તેંદુલકર ને પોતાનાં સ્ટ્રેસ રીમૂવર બાબત પૂછવામાં આવ્યું તો એણે જણાવ્યું કે, "આઈસ્ક્રીમ એ મારું જબ્બર સ્ટ્રેસ રીમૂવર છે, ચાલુ મેચ દરમ્યાન સ્કોર પૂરો કરવાનું ટેન્શન હોય ત્યારે લંચ ટાઇમ માં હું કઈ જ નથી ખાતો, ફક્ત એક મોટો વાડકો ભરીને આઈસ્ક્રીમ લઈને મારા રૂમમાં જતો રહું અને મારી પસંદગીનું સંગીત સાંભળતા સાંભળતાં એ પૂરો કરી દઉં એટલે મારો સ્ટ્રેસ ગાયબ...!!"

કેટલાક ને યોગ - ધ્યાન વગેરેથી સ્ટ્રેસ દૂર થતો અનુભવાય,
તો કેટલાક વળી મનગમતું સંગીત સાંભળીને સ્ટ્રેસ ને દૂર ભગાવે છે.
કેટલાક મનગમતી પ્રવૃતી કરીને સ્ટ્રેસ દૂર કરવા પ્રયાસ કરે છે
તો કેટલાક માટે પ્રકૃતિનાં ખોળે મ્હાલવું એ પણ એક સ્ટ્રેસ રીમૂવર હોઈ શકે.
કોઈ સ્ટ્રેસ દૂર કરવા સેક્સ નો સહારો લે છે,
તો કેટલાક અધુરી સમજણ વાળા સિગારેટ - દારુ કે અન્ય નશીલા પદાર્થોનું સેવન કરવા લાગે છે.
કોઈ એકદમ કડક કોફી પીવે છે તો કોઈ ચા પીવે છે.
તો કોઈના માટે ચોકલેટ પણ સારું સ્ટ્રેસ રીમૂવર હોઈ શકે.

આમ કોઈ ને કોઈ રીતે આપણે સ્ટ્રેસ ને દૂર કરવાનો પ્રયાસ કરીએ જ છીએ.
અને એ પ્રયાસ દરમ્યાન ઉપયોગમાં લેવાતી વસ્તુ-પદાર્થ કે ક્રિયા આપણી વ્યક્તિગત સ્ટ્રેસ રીમૂવર કહી શકાય.

ટુંકમાં,
સ્ટ્રેસ રીમૂવર એટલે એક એવી ક્રિયા કે જેમાં માત્ર અને માત્ર તમે અને એ ક્રિયા બે ની જ હાજરી હોય. મનગમતી ક્રિયા સાથે એકાકાર થવું એટલે સ્ટ્રેસ રીમૂવ કરવો...!!

મારા માટે તો નવરાત્રી માં નવે નવ દિવસ - ટ્રેડીશનલ ડ્રેસ નો મોહ ત્યાગી ને કમ્ફર્ટ લાગતાં કપડામાં - મન મુકીને નાચવું - મન મુકીને ગરબા વખતે ઢોલ વગાડવો - આજુ બાજુ ની પરિસ્થિતિ ની પરવા કર્યા વિના જે આવડે તે સ્ટેપ્સ ને મન મુકીને રમવો - એ દરમ્યાન જો કોઈ મનગમતો ગરબો કે ગીત વાગે તો નાચવાનું બંધ કરીને એ ગીત ને ધ્યાન દઈ સાંભળવું - આવું બધું મારા માટે સ્ટ્રેસ રીમૂવર નું કામ કરે છે.

હું તો એવું માનું છું કે જે વ્યક્તિ ને અલગ અલગ સ્ટેપ્સ આવડતા હોવા છતાં મન મુકીને ગરબા ન રમી શકે એ દંભી અથવા અભિમાનથી ભરપુર હોય છે...!!

- ગરબા તમારું સ્ટ્રેસ રીમૂવર હોય તો નવરાત્રી સુધી રાહ જોવાની જરૂર નથી,
રૂમ બંધ કરી દો, મ્યુઝીક સીસ્ટમ નું વોલ્યુમ ફુલ્લ કરી દો, અને લાગી પડો...

- કુદરતનાં ખોળે રખડવું એ તમારા માટે સ્ટ્રેસ દૂર કરવાનું કામ કરતુ હોય તો દિવાળી પછી શરુ થતી ગિરનારની લીલી પરિક્રમા ની રાહ જોવાની જરૂર નથી, ખાલી પગપાળા ચાલવા નીકળી પડો...

- ચોકલેટ થી તમારો સ્ટ્રેસ દૂર થતો હોય તો કોઈના બર્થડે ની રાહ જોવા કરતા ખિસ્સું હળવું કરીને 50 કે 80 ગ્રામ ની મસ્ત ચોકલેટ ખરીદીને ખાઈ લેવા માં જ ડહાપણ છે.

કઈપણ કરો, સ્ટ્રેસ તો દૂર કરવો જ રહ્યો.

કેમ કે ,
જિંદગીની પળેપળ ને માણવા માટે જ આપણને આ જીવન મળ્યું છે.
એટલે જ ,
જલ્દી થી તમારું સ્ટ્રેસ રીમૂવર શોધી ને સ્ટ્રેસ મુક્ત થઇ જાઓ અને જીવન ને ખુલ્લા મનથી માણો.
આખરે આ જીવન તો એક જ વખત મળે છે ને...!!

આભાર. _/\_
આપનો ,
નીરવ જાની

શુક્રવાર, 3 ઑક્ટોબર, 2014

લ્યો આવી ગયો...!!

લ્યો આવી ગયો...!!

આજની આ પોસ્ટ લખવા પાછળનું જો કોઈ કારણ હોય તો એ માત્ર એક જ કે "ગઈ કાલ સુધી નિહાળેલી નવલી નવરાત્રી" ...!!

અદભુત હતી એટલું જ કહું તો પણ ચાલે

પણ એમ કઈ એટલે થી થોડું પૂરું કરી દેવાય....!!

મેં જોયેલા અદભૂત પ્રકારનાં ગરબા સ્ટેપ્સ બાબત આજે વિશેષ વાત કરવી છે.

- 4 થી માંડીને 54 સ્ટેપ્સ નાં અલગ અલગ પ્રકારનાં ગરબા જોયા તથા રમ્યો ,
- ક્યાંક કોઈક ઉછળી ઉછળીને રાસ લઇ રહ્યું હતું,
- ક્યાંક નવો સ્ટેપ શીખવા જતા ગુલાંટ ખાઈ ને પડી જતા
- ક્યાંક ઘોડા રાસ (કયો સ્ટેપ છે એ જ ખબર ન પડે તે ઘોડા રાસ ) રમતાં,
- ક્યાંક તાજી સગાઇ પછી પહેલી જ વખત નવરાત્રી રમવા - નિહાળવા આવેલાં ભાવી જમાઈઓ - વહુઓ એવી રીતે રાસ લેતા હતા જાણે દુનિયા માં ત્રીજું કોઈ છે જ નહી...!!
- ઉછળતું , કૂદતું, નાચતું અને ગરબે ઝૂમતું યૌવન અદભૂત રીતે થીરકી રહ્યું હતું,
- બાલિકાઓ જાણે સાક્ષાત જોગમાયા નો અવતાર સમી લાગી રહી હતી.
- નવવધુઓ સોળે શણગાર સજી ફરી એક વખત પિતાનાં ઘરે ઉજવેલી અનેક નવરાત્રીઓ યાદ કરતી રમતી,
- યૌવન થી ફાટ ફાટ થતું શરીર માંડ કરીને ચોળી - કેડિયા માં સમાયું હોય એમ લાગ્યું,
- ક્યાંક "નહાઈ ગયેલા - કરચલી પડેલા" પપૈયા ની જેમ રાસ લેતા પણ જોયા...
- ક્યાંક એ.આર.રહેમાન નું વન્દેમાતરમ શરુ થતા જ જમણા હાથે સલામી આપતા આપતા પોતાનાં ગરબાનાં સ્ટેપ્સ ચાલુ રાખતાં જોયા...!!

બીજું બધું તો ઠીક,
પણ નવરાત્રી મારા માટે હર હંમેશ "સ્ટ્રેસ રીમૂવર" બની રહી છે...!!
વર્ષ દરમ્યાન અલગ અલગ પરિસ્થિતિ માંથી પેદા થયેલાં અસહ્ય 'સ્ટ્રેસ' ને જડમૂળ માંથી 'રીમૂવ' કરવા માટે નવરાત્રી મારા માટે એક સચોટ ઉપાય બની છે....

તો આ સ્ટ્રેસ રીમૂવર એ શું છે ?

નેક્ષ્ટ ટાઈમ વાત કરીશ....

પાક્કું  ...

ત્યાં સુધી આવજો ...

(પ્રસ્તુત આર્ટીકલ માં સ્ટ્રેસ રીમૂવર ની વાત કરવાની શરૂઆત કરી છે, જેનો ગુજરાતી તરજુમો 'તાણ મુક્તિ નું કારક' એવું કઈક થાય. પણ આજનાં અંગ્રેજી પ્રભાવિત યુગ માં કોઈને પૂછીએ કે 'શું તમે તાણ અનુભવો છો ?' તો એ વધારે તાણ માં આવી જશે. કેમ કે તેણે 'તાણ' નો 'સ્ટ્રેસ' તરીકે જ અનુભવ કર્યો છે....!! તેને તાણ શબ્દ કરતા પણ વધારે સ્ટ્રેસ શબ્દ સાંભળેલો છે. એટલે જ આ આર્ટીકલ માં તાણ ની જગ્યા એ સ્ટ્રેસ શબ્દ નો ઉપયોગ કર્યો છે.)

રવિવાર, 7 સપ્ટેમ્બર, 2014

હું આવું છું...!!

મિત્રો ,
ઘણા દિવસો થઇ ગયા કઈ પોસ્ટ નથી કર્યું  .
વ્યાવહારિક કાર્યો માં વ્યસ્ત હોઈ હમણાં સમય નથી આપી શકાયો  .
પણ આપ સૌ ને ખાતરી આપું છું કે જ્યારે આવીશ ત્યારે ખાસ કાંઈક વિશેષ લઈને આવીશ  .
અને આપ સૌ ને જાણવા લાયક - માણવા લાયક પોસ્ટ આપતો રહીશ  .

આગામી થોડા જ સમય માં આપ સૌ સમક્ષ એક સુંદર વાર્તા લઈને આવું છું.
એ વાર્તા ફક્ત કપોલકલ્પિત તુક્કાઓ જ નહિ હોય પણ
મારા ને તમારા અનુભવો ની એરણ પરથી ઉતારેલા કથાનકો હશે.
ક્યાંક સસ્પેન્સ હશે
તો ક્યાંક થ્રીલીંગ પણ હશે,
ક્યાંક હૈયાથી હૈયાનાં મળવાની વાતો હશે
તો ક્યાંક દિલ તૂટવાના મૌન અવાજ નો ઘોંઘાટ ....

આ બધું જ બહુ સમય ની મહેનત ના અંતે આપ સૌ ને પીરસવાની કોશિશ કરીશ  ...

આશા રાખીશ કે આપ સૌ
પહેલાની જેમ જ આ વખતે વધાવી લેશો  ...

ફરી વાર,
ખુબ રાહ જોવડાવવા બદલ માફી। .... _/\_


શનિવાર, 19 એપ્રિલ, 2014

આનંદ દાયક રુદન...!!

નમસ્કાર મિત્રો.

          આજે મારી ભાણકી વિચિત્ર અવાજ કાઢી ને રડતી હતી અને અચાનક મને આ વાત યાદ આવી.

રુદન એ કેટલી લાભદાયક ક્રિયા છે ?
દરેક રુદન પાછળ હંમેશા કોઈક ને કોઈક દર્દ છુપાયેલું અનુભવાય છે.
ક્યારેક કોઈ કારણ સાથે રડતું હોય તો ક્યારેક અકારણ પણ રડતું હોય...!!
"અકારણ રુદન" શબ્દ વાંચીને આશ્ચર્ય જરૂર થયું હશે,
અને થવું જ જોઈએ...
કેમ કે ભલા કારણ વગર કોઈ રડતું હશે ?
પણ વાત જ કઈક એવી છે કે જે મારા સમજ માં પણ જલ્દી ન હતી આવી.

બન્યું એવું કે થોડા સમય પહેલા અમદાવાદ મુકામે એક ઓશો પ્રેમી મિત્ર નાં ઘરે જવાનું થયું.
મારા અન્ય કામ પતાવીને હું અમદાવાદથી પરત આવવા નીકળતો હતો ત્યાં જ એ મિત્ર નો ફોન આવ્યો "નીરવ તું અમદાવાદ માં જ છો ?" મેં આશ્ચર્ય સાથે એને પૂછ્યું કે "હા, પણ તને કેવી રીતે ખબર પડી ?"
તો એ કહે ,"યાર આજે રુદન સમય માં એવો વિચાર આવેલો કે તું અમદાવાદમાં જ છે...!!"
મિત્રના જવાબે તમારી જેમ મને પણ આશ્ચર્ય માં ગરકાવ કરી દીધો...
મેં માંડ કરીને સ્વસ્થતા જાળવતા પૂછ્યું કે "રુદન સમય માં... એટલે ?"
તો એ મિત્ર અત્યંત આગ્રહ ભર્યા સ્વરે કહે "તું ઘરે આવ પછી બધી વાત."
હું મારા બસ સ્ટોપ પર જવાના બદલે રીક્ષા કરીને સીધો એ મિત્ર નાં ઘરે પહોચી ગયો.
શિયાળા ની કડકડતી ઠંડીમાં પણ તેણે મને "કોલ્ડ કોફી" પીવરાવી અને પોતે પણ પંખો શરુ કરીને મારી સાથે વાતો એ વળગ્યો.
મેં પૂછ્યું "હવે બતાવ, આ રુદન સમય એટલે શું ?"
મિત્ર એ જવાબ આપ્યો "રુદન સમયમાં અમે ઘરના બધા સભ્યો સાથે બેસી ને મન ભરીને રડીએ. એટલું બધું રુદન કે છેલ્લે સમાધી સ્થિતિ નો આભાસ થાય...!!"

મિત્ર ઓશો પ્રેમી હતો અને મેં પણ ઓશો નાં કેટલાક પુસ્તકોનું વાંચન કર્યું હોવાથી ધ્યાન સુત્ર, ભગવાન ઓશો, સંભોગ થી સમાધી જેવા અનેકવિધ વિષયો થી સુપેરે પરિચિત હતો જ, પણ આ રુદન થી સમાધી એ કૈક અજુગતું લાગ્યું.
એટલે મેં વિસ્તાર થી જણાવવા કહ્યું.
(એ ચર્ચા તો લગભગ ૧ કલાક સુધી ચાલી પણ એ માંથી તારવેલા કેટલાક અંશો જ અહિયાં રજુ કરું છું.)
- રુદન એ તન-મન ને તાજગી આપનાર ક્રિયા છે.
- જીવન માં કોઈ પણ ક્રિયા કરો એ દિલથી કરો તો ચોક્કસ સમાધી અવસ્થા પ્રાપ્ત થાય, પછી ભલે ને એ રુદન જ કેમ નાં હોય ?
- દરરોજ અડધો કલાક રુદન કરવાથી તન-મન ને તાજગી ઉપરાંત ફેફસાં , હૃદય , રૂધીરાભીસરણ તંત્ર વગેરે ને લગતા રોગો માં રાહત થાય છે.
- ક્રોધ , ઈર્ષા , ચિડીયાપણું વગેરે દૂર થાય છે.
- બહુ મોટેથી નહિ એવીરીતે મધ્યમ અવાજ કાઢીને એકસાથે રુદન કરવું જોઈએ.
- રુદન દરમ્યાન જેટલા પણ આંસુ આવે તેણે લુછવા નાં નહિ. ગાલ પરથી વહેવા દેવા...!!
- રુદન દરમ્યાન એ તમામ વિચારો ત્યજી દેવા જેનાથી આપણું મન સખત દુ:ખ અનુભવે.

અને અંત માં એ મિત્રએ એક બહુ સુંદર વાત કરી,
મને કહે "નીરવ, મારા ઘરે દીકરી નાની થઇ ત્યારે હું દવાખાને હતો,
અને દીકરીનું પહેલું રુદન સાંભળીને એક વાત તો સ્પષ્ટ થઇ ગઈ કે દરેક રુદન ની પાછળ હંમેશા કઈ દુઃખ જ નથી હોતું, ક્યારેક એ રુદન ખુશીઓ નું પણ હોય છે. જેમ કે, મારી દીકરીનો જન્મ અને એનું રુદન એ અમારા આનંદનું કારણ....!!"

મન માં સન્નાટો થઇ ગયો (અત્યારે જેમ તમારા મનમાં થયો,   બરાબર એમ જ તો  ... !!) 

રવિવાર, 14 જુલાઈ, 2013

સત્ય - સંહિતા...

નોંધ : એક સમયે મેં એવું માની લીધું હતું કે આ મારી છેલ્લી પોસ્ટ છે...!!

આકાશને ક્યાં આદિ,અંત,મધ્ય હોય છે, 
જે સત્ય હો, તે તો સળંગ સત્ય હોય છે,
આંખો ઉઘાડી હોય ને દેખાય ના કશું, 
આંખો કરું જો બંધ તો દૃશ્ય હોય છે.
-ધૂની માંડલિયા

દરેક સંબંધનું એક સત્ય હોય છે. દરેક વર્તનનું એક સત્ય હોય છે. બે વ્યક્તિનાં સત્ય જ્યારે એક થાય ત્યારે જ સાત્ત્વિક પ્રેમનું નિર્માણ થતું હોય છે. પ્રેમ એટલે એકબીજાંમાં ઓગળવાની આવડત. સંબંધનું સત્ત્વ અને તત્ત્વ કેવું છે તેના પરથી જ પ્રેમની આવરદા નક્કી થતી હોય છે. કોઈ માણસ માત્ર ને માત્ર પોતાના સત્યથી કોઈને સુખી ન કરી શકે. સુખી થવા અને સુખી કરવા સામેની વ્યક્તિનું સત્ય સ્વીકારવું અને સમજવું જ પડે છે. તમારી વ્યક્તિને તમારી પાસેથી શું જોઈએ છે એની તમને ખબર છે? કે પછી તમારે તેને શું આપવું છે એની જ ખબર છે? તમારી તમન્ના ગમે તેટલી ઊંચી અને મહાન હશે પણ જો એ તમારી વ્યક્તિને સુખ આપી ન શકતી હોય તો એ એના માટે ક્યારેય ઊંચી કે મહાન બની શકવાની નથી.

એક પતિ-પત્નીની વાત છે. સંવેદના અને સત્યને ઝણઝણાવે એવી આ સાચી ઘટના છે. બંનેએ આખી દુનિયા સામે બગાવત કરીને લવ મેરેજ કર્યાં હતાં. બેમાંથી કોઈના પરિવાર રાજી ન હતા. કોઈની પણ પરવા કર્યા વગર બંને સાથે રહેવા લાગ્યાં. બંને નોકરી કરતાં હતાં. પગાર બહુ મોટો ન હતો પણ રહેવામાં કોઈ તકલીફ પડતી ન હતી. ભાડાનું ઘર હતું. ઘર માટે નાની મોટી વસ્તુઓ પણ વસાવી લીધી હતી. બંને પગારમાંથી પૂરું કરી લેતાં હતાં. પત્નીને થતું હતું કે જીવનમાં કોઈ જ કમી નથી. જોકે ક્યારેક પ્રેમ જ પ્રેમનું ગળું ઘોંટી નાખતો હોય છે.

એક દિવસ પત્નીએ પતિને કહ્યું કે, મેં તારાથી જુદા પડવાનો નિર્ણય કર્યો છે. એટલા માટે નહીં કે તું મને પ્રેમ નથી કરતો, એટલા માટે નહીં કે હું તને પ્રેમ નથી કરતી, એટલા માટે કે આપણા પ્રેમનાં સત્ય બદલાઈ ગયાં છે. તારો પ્રેમ ખોટો નથી પણ જે બુનિયાદ ઉપર તેં આપણા પ્રેમનો મહેલ ઊભો કર્યો છે એની બુનિયાદ જ તકલાદી છે. પ્રેમ એવી ચીજ છે જેમાં બે વ્યક્તિનું સત્ય એક હોવું જોઈએ. બે અલગ અલગ સત્યથી એક સુખનું નિર્માણ ન થઈ શકે. તને તું ખોટો નથી લાગતો અને મને હું સાચી લાગી છું. તારા માટે પ્રેમ અને સુખની વ્યાખ્યા જુદી છે અને હું જુદી રીતે વિચારું છું. કોઈ ભાર સાથે જીવવા કરતાં જુદાં પડી જવું વધુ બહેતર છે.

આમ તો એ બંને સરસ રીતે જીવતાં હતાં. ક્યારેય ઝઘડો ન થતો. બધાંને એમ થતું કે ભલે પરિવારને નારાજ કરીને લગ્ન કર્યાં પણ બંને રહે છે તો સરસ રીતે. પત્નીને કોઈ અભાવ કે ફરિયાદ ન હતી. જે હતું એનાથી એ ખુશ હતી. જોકે પતિ બહુ ખુશ ન હતો. તેને સતત એમ જ થતું હતું કે હું પત્નીને કોઈ જ સુખ આપી નથી શકતો. નોકરી કરવા તેણે બસમાં જવું પડે છે. ક્યાંય ફરવા પણ નથી લઈ જઈ શકતો. મારે તો એને તમામ સુખ આપવું છે, દરેક મોજશોખ પૂરા કરાવવા છે, રાણીની જેમ રાખવી છે.

અચાનક જ પતિ રોજ થોડા થોડા રૂપિયા લાવવા માંડયો. પત્ની માટે રોજે રોજ નાની મોટી ગિફ્ટ લાવવા લાગ્યો. તેને ફિલ્મમાં, ફરવા અને બહાર જમવા લઈ જતો. પત્નીને પહેલાં તો એવું લાગ્યું કે ઓફિસમાંથી કંઈ ઇન્સેન્ટિવ મળ્યું હશે. જોકે ખર્ચ વધવા લાગ્યો, ત્યારે તેને થયું કે આટલા રૂપિયા એમને એમ તો ન મળે. એક દિવસ પત્નીએ પૂછયું કે આ બધું તું ક્યાંથી લાવે છે? પતિ કહેતો કે, એનું તારે શું કામ છે? તું બસ મજા કરને. હજુ તો જોતી જા, હું તારા માટે શું કરું છું. તારા માટે મેં જે સપનાં જોયાં છે એ બધાં જ મારે પૂરાં કરવાં છે. મારે તને એવી બેકાર અને કંગાળ લાઇફ નથી આપવી જેમાં રૂપિયે રૂપિયાનો હિસાબ કરવો પડે.

પત્નીને આખરે એવી ખબર પડી કે પતિ જે કંપનીમાં કામ કરે છે તેનો માલ બારોબાર વેચી દેવાય છે. કંપનીના જ અમુક લોકો આવું કામ કરે છે. રૂપિયાની લાલચે પતિ પણ એમાં જોડાઈ ગયો છે. પત્નીએ પતિને કહ્યું કે તું આ છોડી દે. પતિએ ના પાડી. હું બધું તારા માટે કરું છું. મારે તને બધું જ આપવું છે. રૂપિયા સીધી રીતે નથી બનતા. આખી દુનિયા આવા જ ધંધા કરે છે. પત્નીએ કહ્યું કે મને દુનિયાથી મતલબ નથી, માત્ર તારાથી મતલબ છે. પતિ ન માન્યો. આખરે પત્ની ઘર છોડીને અલગ એકલી રહેવા ચાલી ગઈ...!!

***


તમને ખબર છે કે તમારી વ્યક્તિને તમારી પાસેથી શું જોઈએ છે? કે પછી તમારે શું આપવું છે એની જ તમને ખબર છે? માત્ર પ્રેમ હોય એ જ પૂરતું નથી. પ્રેમનું પણ એક સત્ય હોવું જોઈએ. દરેક સંબંધમાં આ વાત લાગુ પડે છે. ઘણી વખત આપણે કોઈનું સત્ય બદલાવી શકતા નથી, પણ આપણું સત્ય ચોક્કસ આપણે જીવી શકીએ છીએ. સાત્ત્વિકતા દરેક સંબંધ માટે જરૂરી છે. ઘણી વખત અત્યારે જે સારું લાગતું હોય એનો અંજામ સારો હોતો નથી. આપણે એ પણ તપાસતા રહેવું જોઈએ કે મારું સત્ય તો સાચું છે ને? હું તો સાચા માર્ગે છું ને ? મને તો કોઈ ખોટા માર્ગે દોરવતું નથી ને ? ખોટા માર્ગે દોરવનારા માત્ર માણસો જ હોય એવું જરૂરી નથી. તમારા ઇન્દ્રીય - અંતઃ કરણમાં ઉઠતાં આવેગો પણ તમને ખોટા માર્ગે દોરી શકે છે. 


આકર્ષણ એ સહજ થતી પ્રક્રિયા છે પરંતુ એની પાછળ દોરવાઈને મનનું કહ્યું જ કર્યા કરીએ એ ખુબ જ ગંભીર બાબત છે.

આપણે એવું ઈચ્છતા હોઈ એ  કે "હું જેવો/જેવી છું એવો/એવી જ લોકો મને સ્વીકારે..."
આવી ઈચ્છા થવી એ સ્વાભાવિક છે. પરંતુ પ્રશ્ન ત્યાં આવીને અટકે છે કે "આપણે પોતે બીજા ને તેઓ જેવા છે એવા સ્વીકારી શક્યા છીએ...?" શરૂઆત આપણા પોતાનાથી જ થાય એ ઇચ્છનીય છે. અરે બીજાની વાત જવાદો, આપણે પોતે આપણી જાતનો કેટલા અંશે સ્વીકાર કર્યો છે ? ક્યાંક ભૂલ થાય એટલે તરત જ માથે ઓઢી લઈએ કે "હું કેમ આવો / આવી છું, મારામાં તો સહેજ પણ બુદ્ધિ નથી એટલે જ આવું થયું... વગેરે વગેરે ..." પરંતુ એવું કરવા કરતા આત્મનિરીક્ષણ કરવું એ વધારે યોગ્ય રહેશે . સમયાંતરે તટસ્થ રીતે કરવામાં આવતા આત્મનિરીક્ષણથી પોતાની જાતને ચોક્કસ બદલી શકાય છે .

એક સંત હતા. એકદમ સાદું જીવન જીવે. કોઈ ઠાઠમાઠ નહીં. સાધુએ પોતાની ઝૂંપડીમાં એક મોટો અરીસો રાખ્યો હતો. દિવસમાં ચારપાંચ વખત સાધુ અરીસા સામે ઊભા રહી પોતાને જોયા કરે. અનુયાયીઓને આશ્ચર્ય થતું કે આ મહારાજને અરીસાનો શું મોહ છે? આમ તો એ ડાહી ડાહી વાતો કરે છે, સરળતા અને સહજતાનાં ઉદાહરણો આપે છે અને પોતે અરીસામાં જોયા રાખે છે. સંતને પૂછવાની કોઈને હિંમત થતી ન હતી. આખરે એક યુવાન અનુયાયીથી રહેવાયું નહીં અને તેણે પૂછી નાંખ્યું કે મહારાજ બધું છોડી દીધું પછી આ અરીસાનો મોહ શા માટે?

સંત હસવા લાગ્યા. તેણે કહ્યું, તારી વાત સાચી છે. મને અરીસાનો મોહ છે. હું આખા દિવસમાં ઘણી વાર અરીસો જોઉં છું. હું એટલા માટે અરીસો નથી જોતો કે હું કેવો દેખાઉં છું. હું તો એ જોવા માટે અરીસામાં જોઉં છું કે હું જેવો અંદર છું એવો જ બહાર છું ને? કે પછી જેવો બહાર છું એવો જ અંદર છું ને? આ અરીસો મારી સાધનાનું સાધન છે. જે મને મારાથી દૂર જવા દેતું નથી. આપણે અંદરથી જુદા હોઈએ છીએ અને બહારથી જુદા. બહારથી દેવ દેખાતા હોઈએ છીએ અને અંદરથી દાનવ. રાક્ષસને પણ જો એ ભાન હોય કે હું રાક્ષસ છું તો એ વાત પણ મોટી છે. અભિમાની માણસને જો એ ભાન હોય કે પોતે અભિમાની છે તો એ પણ મોટી વાત છે. કમસે કમ એને પોતાની ઓળખ તો છે. આપણે તો આપણી જાત સાથે જ 'ડબલ ગેમ' રમતા હોઈએ છીએ. તું પણ અરીસો જો, ત્યારે એ વિચારજે કે અંદર અને બહારનું બેલેન્સ તો બરાબર છેને?

દરેક માણસની પોતાની એક બુનિયાદ હોવી જોઈએ, પોતાનું એક સત્ય હોવું જોઈએ, પોતાનું એક સત્ત્વ હોવું જોઈએ અને પોતાનું એક તત્ત્વ હોવું જોઈએ. તમારું સત્ય તમારી વ્યક્તિ સાથે મળે છે? પ્રેમના સત્યનું પણ લોહી જેવું છે, જો બ્લડ ગ્રૂપ સરખું ન હોય તો લોહી ચડતું નથી, પ્રેમનું સત્ય જો સરખું ન હોય તો પ્રેમ ટકતો નથી. અસમાન સત્ય વાળો પ્રેમ સમયાંતરે આપણી જ સામે બાંયો ચડાવશે અને કહેશે કે, " કેમ ? કેમ મને તું તારા બીબાંમાં ઢાળવાનો પ્રયાસ કરે છે ? હું તો હંમેશા નિર્બાધપણે છૂટથી વહેવામાં માનું છું અને તું આવીરીતે મને બાંધી રાખે એ કેમ ચાલશે ? હું હંમેશા મુક્ત હતો, છું અને રહેવાનો છું. એમાં તારો ચંચુપાત નહિ ચાલે...!! પેલા મને સારી રીતે ઓળખ અને પછી મને પામવાનો પ્રયાસ કર...!! આમ ગમે ત્યારે ગમે તેની સાથે તારા મનને જોડીને તું એ બાબત ને મારું નામ ન આપીશ...!! હું તો તને ઘણી જગ્યાએથી વહેતો જોવા મળીશ, ક્યારેક કોઈકનાં સાથમાં, તો ક્યારેક કોઈકની આંખમા, ક્યારેક કોઈકની વાતમાં તો ક્યારેક કોઈકનાં સંગાથમાં... તારા કોમળ અને ઋજુ હૃદયથી તું મને બધી જ જગ્યા એ જોઈ શકીશ પણ એનો અર્થ હરગીઝ એવો નથી કે એ તમામ સ્વરૂપે તારે મને પામી લેવો... તારું પોતાનું સત્ત્વ અને તારું પોતાનું તત્ત્વ સમજીને પછી જ તું કોઈ એક જગ્યા એ જોડાઇશ તો તને હું તું છો ત્યાંથી ઘણો જ ઉપર ઉઠાવીશ અને મુક્ત ગગનનું મસ્ત પંખી બનાવી દઈશ..."

છેલ્લી વાત :
દલીલથી સામેની વ્યક્તિને ચૂપ કરી શકશો પણ જીતી નહીં શકો...!!


મારી વાત :
ક્યારેય પોતાના પ્રિય પાત્ર પાસે કોઈ પણ બાબત ની જીદ ના કરશો,
જીદ કરવાથી તમારા મનની વાત સિદ્ધ થઇ જાશે, 
પણ 
તમારા પ્રિય પાત્રનાં મન પર કેવી વિપરીત અસર પડી શકે છે એ વાત તો કલ્પના બહાર ની છે .

_/\_