લેબલ બોધકથા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ બોધકથા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 20 માર્ચ, 2016

સગર્ભા હરણી - વાર્તા

સગર્ભા હરણી
***********
એક જંગલ હતું.
તેમાં એક હરણી ગર્ભવતી હતી અને તેનું બચ્ચુ જન્મવાની તૈયારીમાં જ હતું.
દૂર દેખાઈ રહેલું નદી પાસેનું એક ઘાસનું મેદાન તેને સુરક્ષિત જણાતા, તેણે ત્યાં જઈ બચ્ચાને જન્મ આપવાનો નિર્ણય કર્યો.
તે ધીમે ધીમે ત્યાં જવા આગળ વધી અને ત્યાં જ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ગઈ.
તે જ ક્ષણે અચાનક તે વિસ્તારના આકાશમાં કાળા ડિબાંગ વાદળા છવાઈ ગયાં અને વિજળીનો ગડગડાટ શરૂ થઈ ગયો.
વિજળી પડતા ત્યાં દાવાનળ ફેલાઈ ગયો.
હરણીએ ગભરાયેલી નજરે ડાબી બાજુ જોયું તો ત્યાં તેને એક શિકારી પોતાના તરફ તીરનું નિશાન તાકતો દેખાયો.
તે જમણી તરફ ફરી ઝડપથી એ દિશામાં આગળ વધવા ગઈ ત્યાં તેને એક ભૂખ્યો વિકરાળ સિંહ પોતાની દિશામાં આવતો દેખાયો.
આ સ્થિતીમાં ગર્ભવતી હરણી શું કરી શકે કારણ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ચૂકી છે.

તમને શું લાગે છે?
તેનું શું થશે?
શું હરણી બચી જશે?
શું તે પોતાના બચ્ચાને જન્મ આપી શકશે?
શું તેનું બચ્ચુ બચી શકશે?
કે પછી દાવાનળમાં બધું સળગીને ભસ્મીભૂત થઈ જશે?
શું હરણી ડાબી તરફ ગઈ હશે? ના,ત્યાં તો શિકારી તેના તરફ બાણનું નિશાન તાકી ઉભો હતો.
શું હરણી જમણી તરફ ગઈ હશે?ના,ત્યાં સિંહ તેને ખાઈ જવા તૈયાર હતો.
શું હરણી આગળ જઈ શકે તેમ હતી? ના,ત્યાં ધસમસતી નદી તેને તાણી જઈ શકે એમ હતી.
શું હરણી પાછળ જઈ શકે તેમ હતી? ના, ત્યાં દાવાનળ તેને બાળીને ભસ્મ કરી દઈ શકે તેમ હતો.
******
આ ઘટના સ્ટોકેઇસ્ટીક પ્રોબેબીલીટી થિયરીનું એક ઉદાહરણ છે.
તે કંઈજ કરતી નથી.
તે માત્ર પોતાના બચ્ચાને, એક નવા જીવને જન્મ આપવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે.
એ ક્ષણ પછીની બીજી જ ક્ષણમાં આ પ્રમાણે ઘટનાક્રમ બનવા પામે છે.
એક ક્ષણમાં શિકારી પર વિજળી પડે છે અને તે અંધ બની જાય છે.
આકસ્મિક બનેલી આ ઘટનાને લીધે શિકારી નિશાન ચૂકી જાય છે અને તીર હરણીની બાજુમાંથી પસાર થઈ જાય છે.
તીર સિંહના શરીરમાં ઘૂસી જાય છે અને તે બૂરી રીતે ઘાયલ થઈ જાય છે.
એ જ ક્ષણે મૂશળધાર વર્ષા વરસે છે અને દાવાનળને બૂઝાવી નાંખે છે.
એ જ ક્ષણે હરણી એક સુંદર, તંદુરસ્ત બચ્ચાને જન્મ આપે છે...!!

મિત્રો,
આપણા સૌના જીવનમાં એવી કેટલીક ક્ષણો આવે છે જ્યારે બધી દિશાઓમાંથી નકારાત્મક વિચારો અને સંજોગો આપણને ઘેરી વળે છે. એમાંના કેટલાક વિચારો તો એટલા શક્તિશાળી હોય છે કે તે આપણા પર હાવી થઈ જાય છે અને આપણને શૂન્યમનસ્ક બનાવી મૂકે છે. પણ જીવનમાં એક જ ક્ષણમાં પરિસ્થીતી તદ્દન બદલાઈ જઈ શકે છે.
સામાજિક એક્તા કે સંગઠનમાં પણ ચારેબાજુ નકારાત્મકતા જોવા મળે તો પણ દ્રઢ નિશ્ચય રાખીએ તો અવશ્ય સફળતા મળે જ છે.
આપનો દિવસ શુભ રહે.

સોમવાર, 13 જુલાઈ, 2015

સોમલી...


સોમલી... (A 'Copy Pasted' story from Suresh Ganatra's Facebook Page.

સિત્તેર વર્ષ પહેલાંની એક સત્ય ઘટના જલારામ જ્યોતના એક સુજ્ઞ વાચક શ્રી હરગોવિંદભાઈ રામીએ રતલામથી લખી મોકલાવેલ તે થોડી ટૂંકાવીને, થોડી મઠારીને તેમના જ શબ્દોમાં વાંચીએ-
.
અમારૂં ગામ લીંબડી. પિતા બેચરભાઈ કડિયા કામ કરે. દોઢ રૂપિયો રોજ મળે. ઘેર ત્રણ ભેંસો. માતા મણીબા ભેંસોની રાખરખાત કરે. રાણી છાપ રૂપિયાનું અઢી શેર ઘી વેચે. ઘરની આર્થિક સ્થિતિ ઠીક ગણાય. સમયાંતરે પરિસ્થિતિ બદલાણી. ભેંસો એક પછી એક વેચાતી ગઈ. છેલ્લે વધી ભેંસની એક પાડી જેનું નામ સોમલી. 
.
સવંત 1996માં સૌરાષ્ટ્રમાં દુષ્કાળ પડ્યો. વરસાદ પાણી થયાં નહિ. ઘાસચારો મોંઘો થયો. આર્થિક ભીંસમાં કુટુંબ ભીંસાઈ ગયું. છોકરાંના આડાંની આ ભેંસ તેને પાંજરાપોળમાં કેમ મૂકવી? માતા પિતા મૂંઝવણમાં મુકાઈ ગયા. 
.
એવામાં લીંબડી નજીક આવેલ સૌકા ગામનાં દરબાર તખુભાભાઈ આવ્યા અને અમારી આ પહેલ વેતરી ભેંસની માગણી કરી. અમારાં મા-બાપ પહેલેથી જ ભક્તિ ભાવવાળાં હોવાથી ભેંસ બાબત કહ્યું કે અમારે કાંઈ લેવું નથી. પણ તમે આ સોમલી ઘાસ ચારેથી દુ:ખી ન થાય એટલું જોજો.
.
દરબાર બાપુએ અમને આશ્વાસન આપતા કહ્યું કે મારે ભગવાનની પુનાઈ છે. ભોગાવાનાં કાંઠે વાડી ખેતર છે. રજકો-ચારો પર્યાપ્ત માત્રામાં અમારી પાસે છે. ભેંસને જરાયે દુ:ખ નહીં પડવા દઉં. વળી ગામ નજીક છે. કોઈ વખત આવીને જોઈ જજો. મારાં મા-બાપે ભેંસ સોમલીને વિના મૂલ્યે દોરી આપી. 
.
કન્યા વિદાય વેળાએ જેમ માબાપની આંખ આંસૂથી છલકાઈ ઉઠે છે તેવી રીતે સોમલીને દરબારબાપુ સાથે વળાવતી વેળાએ મારા માતાપિતા રડતા હતા. સોમલીને દરબારબાપુ સાથે વળાવ્યા પછી ઘણા દિવસ સુધી મારા માતાપિતા તેને યાદ કરીને હિજરાતા રહ્યા. શરૂઆતના દિવસોમાં તો ધણીવાર મારા મા સોમલીને યાદ કરીને આંસૂ પાડી લેતા. એક દિવસ મારા માતાપિતા સોમલીની શાતા પૂછવાં સૌકા ગામે પહોંચી ગયા.
.
સોમલીને સામી નજરે જોઈ, સુખી જણાઈ. અવાજ કર્યો, ‘ સોમલી‘. ને ત્યાં તો તે ચારે પગે સોમલી ઊછળી અને ખીલો છોડાવીને મારાં માતા-પિતા પાસે દોડી આવી અને તેમના પગ ચાટવા લાગી.
.
અંતરભાવો જ્યારે શબ્દો દ્વારા કહી શકતા નથી ત્યારે તે આંસુઓના માર્ગે વહેવા લાગે છે. સોમલીની આંખોમાં વહેતા આંસૂ કહીરહ્યા હતા કે તે લીંબડી પાછાં આવવા માગતી હતી. તે મારા માતા-પિતાથી અળગી થતી ન હતી.
.
તેની આંખમાંથી અને મારા માની આંખમાંથી આંસુની ધાર વહેતી જોઈ ત્યારે ત્યાં આજુબાજુના ઘણા લોકોની આંખમાં પણ આંસુના તોરણ બંધાયા... 
.
પ્રેમ હોય તો સુખ-સગવડ વગર પણ આનંદથી જીવી શકાય છે. પ્રેમનું ફૂલ ક્યારેય, કોઈ પણ પરિસ્થિતીમાં કરમાતું નથી.  

કબીરજીએ યથાર્થ ગાયું છે કે - પ્રેમ છિપાયા ના છિપૈ, જો ઘટ પરગટ હોય, જો પૈ મુખ બોલે નહીં, નૈન દેત હૈ રોય.
સોમલીનું પણ આવું જ થયું. તે બોલી તો સકતી ન હતી પરંતું તેની આંખના વહેતા આંસૂ ઘણું ઘણું કહેતા હતા.
.
કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે પશુ પણ સ્વજનોના પ્રેમ અને વતનની માયાને ભૂલી શકતું નથી. 
.
સોમલીને દરબારબાપુને ત્યાં સિમેંટ કોંકરેટની સ્વચ્છ ગમાણમાં રજકો-ચારટીયો તથા ખાણમાં ખોળ-ગોળ બધું જ મળતું હતું, જ્યારે અમારે ત્યાં નીરણમાં સૂકાં ઠાગાં ઠાલીયા સિવાય કાંઈ નહિ અને વધારામાં ગારથી લીંપાયેલ ગમાણ હતી.
.
ખીલે ખાણ ખૂટે નહિ ને સ્વચ્છ ગમાણે લીલી નાગરવેલ નંખાય;
પણ સૂકાં ઠાગાંને ઠાલીયા ને ગારેલીંપી ગમાણ તે કેમે કરી ભુલાય !
.
જીવનના કોઈ પણ મુકામે સંસારના તમામ સુખ સગવડતાઓ વચ્ચે પણ ક્યારેય મન ઉદાસ થઈ જાય ત્યારે ચિંતન કરશો તો સમજાશે કે પોતાના વીતેલા સંસારની કોઈ મધુર, પ્રેમપૂર્ણ માયા સતાવે છે.
.
કબીરજી કહે છે કે - પ્રેમ ન બાડી ઉપજૈ, પ્રેમ ન હાટ બિકાય; રાજા પરજા જૈહિ રૂચૈ, શીશ દેઈ લૈ જાય...
.
પ્રેમને સુખ-સાહેબીના ત્રાજવે ક્યારેય તોળી શકાતો નથી. ગરીબ માવતરની દીકરી પરણીને સાસરે ગઈ હોય, સાસરીમાં દોમદોમ સાહેબી હોય, પાણી માંગે ત્યાં દૂધ મળતું હોય તો પણ તે ક્યારેય પોતાના પિયરની માયાને વિસારી શકતી નથી. તેવું જ સોમલીનું હતું. સૌકા ગામે મળતું સુખ તેને સ્વજનોના પ્રેમ અને માયાથી વિમુખ કરી શક્યું ન હતું.
.
પ્રેમ એ જીવ માત્રની સ્વાભાવિક ભૂખ છે. નક્કી માનજો - પ્રેમ જ હરકોઈને તૃપ્તિ આપે છે.
.
- સુરેશ ગણાત્રા

સોમવાર, 18 મે, 2015

ઓમ શાંતિ ...



થોડા દિવસ 'રિચાર્જ' થવા હિમાલયની ગોદમાં જઈ રહ્યો છું.

ખળ ખળ વહેતી ગંગામૈયાનાં ખોળે, 

કુદરતી સાન્નિધ્યમાં સત્સંગ-યોગ-ધ્યાન-પ્રાણાયામ-રીવર રાફટીંગ વગેરે કરીને,  

થોડા દિવસોમાં 'બેટરી ફુલ્લ' કરી નિયમિત 'બોધકથા' આપતો રહીશ...!!

ત્યાં સુધી,

હર હર મહાદેવ.


_/\_ પ્રણામ

હર હર ગંગે...


રવિવાર, 17 મે, 2015

બોધકથા - 9

નોકરી કે પછી 'નો' કરી ?

બે નાનપણનાં મિત્રો હતા.

ભણીને એક ટપાલી થયો અને એક મોટા મંદિરના મોટા મહંતનો સુરક્ષા કમાન્ડો થયો. (આજકાલ ભગવાનને ભરોસે જીવતા લોકોને પણ સુરક્ષાની જરૂર પડે છે એટલે...!!)

ટપાલી ટપાલ પહોચાડવા રોજ 10 કિમી ચાલતો,
અને કમાન્ડો પોતાનું શરીર કસાયેલું રાખવા રોજ 5 કિમી દોડતો.

ટપાલી દિવસોદિવસ એકદમ ક્ષીણ અને અશક્ત થતો જતો હતો,
જ્યારે કમાન્ડો મજબુત અને પહેલવાન થતો જતો હતો.

એકવાર બંને મિત્રો અચાનક મળી ગયા,
પહેલવાન મિત્રને પોતાનાં ટપાલી મિત્રની નરમ તબિયત જોઇને આઘાત લાગ્યો.
અને તરત જ તેને પોતાનાં મહાત્માજી પાસે લઇ ગયો.
પહેલવાન મિત્રએ મહાત્માજી ને પૂછ્યું - "સ્વામીજી, હું રોજ ફક્ત 5 જ કિમી દોડું છું છતાય આવો પહેલવાન છું જ્યારે મારો આ મિત્ર રોજ 10 કિમી ચાલે છે છતાય તેનું શરીર નબળું કેમ છે ?"

મહાત્માજી એ સુંદર જવાબ આપ્યો અને કહ્યું "કારણ કે એ પોતાનાં 'ચાલવા' ને વેઠ-સજા-મજુરી સમજે છે તેથી થાકી જાય છે, જ્યારે તું શરીર સાચવવાની દ્રષ્ટિ થી દોડે છે તેથી તને ફાયદો થાય છે...!!"


મિત્રો આપણું પણ કઈક આવું જ છે,
આપણો ધંધો, નોકરી, કર્મ તરફ આપણી દ્રષ્ટિ કેવી છે તેના પર કર્મફળ અને પરિણામ નો આધાર રહે છે. 
કામનું મહત્વ નથી,
કામ તરફ જોવાની આપણી દ્રષ્ટિ નું વધારે મહત્વ છે.

આપણા કામ ને આપણે વેઠ ન સમજતા તેનો આનંદ ઉઠાવતા થઈએ એવી અભ્યર્થના સાથે,
આપનો દિવસ મંગલમય રહે...
સુપ્રભાતમ.

તા.ક. શિક્ષક (વિદ્યાસહાયક) તરીકે ની નોકરી (05-09-2011 માં) સ્વીકાર્યા પછી 'પણ' મારા વજનમાં 12 (બાર) કિલોગ્રામ નો વધારો થયો છે...!!

_/\_ પ્રણામ 

શનિવાર, 16 મે, 2015

બોધકથા - 8

'વિશ્વસનીય' ન્યાય...!!


આશરે 1400 વર્ષ પહેલાની આ વાત છે.
જ્યારે શંકરાચાર્ય હજુ શંકર જ હતાં, આચાર્ય થવાના માર્ગે આગળ વધી રહ્યા હતા ત્યારે વિદ્યા-અભ્યાસ પૂર્ણ કરી શાસ્ત્રાર્થ માટે માન્યતા મેળવવા સૌ પ્રથમ દક્ષિણનાં પ્રકાંડ પંડિત આચાર્ય મંડનમિશ્રનાં  ઘરે આચાર્ય અને તેમનાં પરમ વિદુષી પત્ની ભારતી દેવી સાથે શાસ્ત્રાર્થ કરવા ગયા. શરત એ હતી કે શંકર જો મંડન મિશ્ર અને તેની પત્નીને હરાવે તો બંને તેના શિષ્ય થઇ જાય નહિ તો શંકરે મંડનમિશ્ર નાં શિષ્ય થવાનું...

શરત મંજુર હતી પણ "શાસ્ત્રાર્થ દરમ્યાન ન્યાય કોણ કરે ?" એ મોટો પ્રશ્ન હતો. શંકરે વચલો માર્ગ કાઢ્યો અને કહ્યું "જ્યારે હું મંડન મિશ્ર સાથે શાસ્ત્રાર્થ, વાદ - વિવાદ કરું ત્યારે ન્યાયાધીશ તરીકે ભારતીદેવી કામ કરે અને જ્યારે ભારતીદેવી સાથે શાસ્ત્રાર્થ થાય ત્યારે આચાર્ય મંડન મિશ્ર ન્યાયાધીશ તરીકેની ફરજ બજાવે...!!

કેવો અદભૂત વિશ્વાસ 'ન્યાય' માં ?
અને તેનાથી પણ વિશેષ આશ્ચર્યજનક વાત તો એ છે કે ભારતીદેવીએ મંડન મિશ્ર સામેની ચર્ચામાં શંકરને વિજયી ઘોષિત કર્યા અને ભારતીદેવી સાથેનાં શાસ્ત્રાર્થમાં મંડન મિશ્ર એ પણ શંકરને જ વિજયી ઘોષિત કર્યા...!!

અને બંને વિદ્વાનો શંકરનાં શિષ્ય થઇ ગયા,
પછી શંકર શંકર મટી 'શંકરાચાર્ય' થયા...!!

ન્યાય અને તાટસ્થ્યતા એ આનું નામ...

આજકાલ ન્યાય વિશ્વસનીય રહ્યો નથી,
સત્તા પક્ષ બદલે એટલે તરત બદલીનો દોર શરુ થાય,
ફાઈલો ખુલે-ન્યાય બદલે-જીલ્લા કોર્ટ-હાઈ કોર્ટ-સુપ્રીમ કોર્ટ સુધી પણ ચુકાદાઓ બદલાતા રહે...!!
સલમાન ખાન અને જય લલીતા જેવી હસ્તીઓનું ઉદાહરણ એકદમ તાજું જ છે.
કાયદો તટસ્થ રહ્યો નથી,
બળિયા હોય એ જ જીતે એવું નક્કી લાગવા માંડ્યું છે...!!

પ્રભુ સૌને સદબુદ્ધિ પ્રદાન કરે...!
સુપ્રભાતમ.  

શુક્રવાર, 15 મે, 2015

બોધકથા - 7

રજા ની મજા...!!



વારંવાર રજાઓ પાડી દેતી આજની શાળાઓમાં શિક્ષણકાર્ય ક્યારેય પણ સ્થગિત કરી દેવામાં આવે છે.
આજે વાત કરવી છે એક સંસ્કૃત પાઠશાળાની.
સંસ્કૃત પાઠશાળાઓ કાશીમાં (અને ક્યાંક ક્યાંક ગુજરાતમાં) આજે પણ આશ્રમ વ્યવસ્થા પ્રમાણે ચાલે છે.

લગભગ દોઢસો વર્ષ પહેલાની આ વાત છે.
કાશીમાં કેશવ શાસ્ત્રી નામના વિદ્વાન માતૃવત્સલ ભાવથી સંસ્કૃત ભણવા આવનાર શિષ્યોને પિતૃ વાત્સલ્ય પણ પુરુ પાડતાં. એમની જ પાઠશાળામાં વિદ્વાન આચાર્ય એવા પંડિત શ્રી ગંગાધર શાસ્ત્રી (જેઓ નવ્ય ન્યાય વિષયનાં ધુરંધર આચાર્ય કહેવાય છે.) 

સંકૃત પાઠશાળામાં પંડિત ગંગાધર શાસ્ત્રીજીનો એકનો એક પુત્ર ઢુંઢીરાજ પણ અભ્યાસ કરતો. અભ્યાસમાં તેજસ્વી અને આનંદી સ્વભાવનાં કારણે  ઢુંઢીરાજ  સૌનો પ્રિય થઇ ગયો હતો.

એક દિવસ પંડિત ગંગાધર શાસ્ત્રીજી એ પોતાનાં સમયમાં બે કલાક સુધી રોજ ની જેમ જ, ધ્યાન પૂર્વક અને એકદમ ઝીણવટ ભર્યો, શાંતિથી અભ્યાસ કરાવ્યો. વર્ગ પૂરો થયો...

આજે એમનો પુત્ર  ઢુંઢીરાજ  વર્ગમાં આવ્યો ન હતો. એટલે તેના નીકટના મિત્રોએ વર્ગ પૂરો થતા જ ગંગાધર શાસ્ત્રીજીને  ઢુંઢીરાજ ની ગેરહાજરીનું કારણ પૂછ્યું. શાસ્ત્રીજીની આંખમાં આંસુ આવ્યા અને કહ્યું - " એ ગઈકાલે રાત્રે જ આપણા સૌથી ખુબ જ દૂર ચાલ્યો ગયો છે....!!

વિદ્યાર્થીઓને આ વાત નો મર્મ સમજાતા વાર લાગી... 
જ્યારે સમજ્યા ત્યારે તેઓની આંખમાં પણ આંસુ હતા... 

આવા સંજોગોમાં પણ શિક્ષણ કાર્ય પંડિત ગંગાધર શાસ્ત્રીજી એ  ચાલુ રાખેલું...!!

આજકાલ શિક્ષકોનો સેમીનાર હોય તો શાળામાં શિક્ષણકાર્ય બંધ,
નિરીક્ષણ - ગુણોત્સવ પૂરો થાય એટલે રજા,
મેચ જીત્યા - રજા,
શાળાનાં સ્થાપકનો જન્મ-મરણ દિવસ હોય - રજા,
કોઈ શિક્ષકને ત્યાં શુભ પ્રસંગ હોય - આખી શાળાને રજા...!!
શિક્ષણ કેમ 'બંધ' રાખવું એની જ પેરવીમાં જાણે સૌ પડ્યા હોય છે...!!

ગમે તેવા વિપરીત સંજોગોમાં પણ શિક્ષણ કાર્ય શરુ રાખવાની "આંતરિક શક્તિ" આપણામાં આવે એવી અભ્યર્થના સાથે સુપ્રભાતમ...

_/\_ પ્રણામ.

(કથાબીજ - સુરેશભાઈ ભટ્ટ, નિવૃત્ત શિક્ષકશ્રી, ગાંધીનગર)



બુધવાર, 13 મે, 2015

બોધકથા - 6

'ચાપલુસીયો' રાક્ષસ...!!


એક માણસને રાક્ષસ ઉપાડી ગયો. 
એના બળ-બુદ્ધિ-કાયદા-આત્મબળ અને આત્મગૌરવ સહીત તેનું અપહરણ કરી ગયો...!!
અને પછી એની પાસે કામ કરાવવા લાગ્યો. 
સાચા-ખોટાં, કાયદાની કલમમાં ન હોય એવાં, પરિપત્રોની બહારનાં... 
બધા જ કામ કરાવવા લાગ્યો. 
પરિણામે માણસ ખુબ જ ટેન્શનમાં આવવા લાગ્યો. 
હાઈ બી.પી., લો બી.પી., ટેન્શન વગેરે જેવા જે જે વધવા જોઈએ એ બધા જ રોગો તેને વધવા લાગ્યા...!!

કામમાં જરાપણ આનાકાની કરે તો 'હાઉ...' 'હાઉ...' કરીને બીવડાવે, 
અને ક્યારેક ક્યારેક તો 'ખાઈ જઈશ' ની ધમકી પણ આપે !! 
 
માણસ કંટાળ્યો, 
એણે વિચાર્યું કે એક વખત તો મરવાનું જ છે, 
તો પછી આ રોજ રોજ મરવા કરતાં એક જ વાર મરવું શું ખોટું ?
એમ વિચારીને તેણે એક દિવસ હિંમત એકઠી કરીને રાક્ષસને કહ્યું "ખાઈ જા...!!"

- અને રાક્ષસ ડઘાઈ ગયો...!!

આપણા નોકરીનાં સ્થળનું પણ આવું જ છે...!!

આપણા નેતાઓ અને અધિકારીઓની વચ્ચેનો તાલમેળ 'બદલી' અથવા 'બઢતી' નાં ભયથી જ હોય છે...!!
પેલાને મૌખિક હુકમો આપવાનાં હોય અને કાયદાનાં સકંજામાં તો 'સાહેબ' જ આવે...!! 
આપણા 'સાહેબો' માં સ્પષ્ટ પણે 'ના' કહેવાની હિંમત હોતી નથી અને પરિણામે તેઓ સજા ભોગવે છે (જેમ કે, ડી.જી. વણઝારા એન્ડ કંપની).

આપણામાં અને આપણા 'સાહેબો'માં યોગ્ય સમયે 'નાં' કહેવાની હિંમત આવે એવી પ્રાર્થના સાથે...

_/\_ પ્રણામ 
સુપ્રભાતમ.

મંગળવાર, 12 મે, 2015

બોધકથા - 5

'મા' જેવા સંત. 


          સ્વામિનારાયણ સંપ્રદાય તગારું (સમાજ સેવા), નગારું (ભજન-ભક્તિ-ઉત્સવો) અને તાવડા (રસોઈ-બીજા ને જમાડવા) માટે આખાયે વિશ્વમાં પ્રખ્યાત છે. આજે સ્વામિનારાયણ સંપ્રદાયનાં સુપ્રસિદ્ધ સંત અને કવિરાજ શ્રી મુક્તાનંદ સ્વામીનાં જીવનનો એક પ્રસંગ કહેવો છે.

          મુક્તાનંદ સ્વામી એકવાર પોતાનાં સંત મંડળ સાથે આસપાસનાં ગામડાઓમાં સત્સંગ પ્રચાર માટે ગયા હતા. સ્વામીજી વર્ષોથી એકટાણું કરતા હતા. માત્ર બપોરે એક જ સમય જમવાનું. સાથે રહેલા સંત મંડળને પણ આ વાતની ખબર હતી. 

          સાધુ સંતોનો ઉતારો ગામમાં એક હરિભક્ત ને ત્યાં હતો. સાંજનો સમય હતો. બપોરા થોડા જલ્દી કરી લીધા હતા. પણ સાંજે ઘરમાં એ હરિભક્ત અને તેનાં સાથીઓ માટે ગરમ ગરમ રોટલા અને રીંગણનું શાક થતું હતું. રસોઈ ની સોડમ નાના સાધુઓના નાક સુધી પહોચી ગઈ. અને નાના સાધુઓનાં પેટમાં ભૂખે ગેડી દડો રમવાનું શરુ કરી દીધું હતું...!!

           પોતાના બાળ-શિષ્યોની આંખમાં ભૂખ અને ઘરમાં રોટલા-શાકની મઘમઘતી સોડમનો અણસાર જોઈ મુક્તાનંદ સ્વામી પરિસ્થિતિ પામી ગયા. સ્વામીજીએ જેમના ઘરમાં ઉતારો હતો એ હરિભક્તને હાકલ કરીને બોલાવ્યા અને કહ્યું," ભગત, તમારી રસોઈની સોડમથી અમારી ભૂખ ઉઘાડી છે, લાવો રોટલો અને શાક ખાઈ લઈએ."

          પેલા હરિભક્ત તો ખુબ જ ખુશ થયા અને હોંશે હોંશે સંતોને જમાડવાની વ્યવસ્થા કરી. પોતાના બાળ-શિષ્યો માટે થઈને આ સંતે વર્ષોથી પાળેલો એકટાણાનો નિયમ ભંગ કર્યો. અને પેટ ભરીને સૌએ રોટલા-શાક ખાધા.

          સંતો સરળ સ્વભાવનાં - ઉદાર દિલ - અને શિષ્યવત્સલ હોય છે. પ્રેમ અને વાત્સલ્ય માટે પોતાના કડક નિયમોનું બલિદાન આપી દેતા પણ અચકાતા નથી. આવા અનેક પ્રસંગોનાં લીધે મુક્તાનંદ સ્વામી ને આખાયે સ્વામિનારાયણ સંપ્રદાયની "મા" તરીકે આજે પણ લોકો બિરદાવે છે.
       
          એટલે જ આપણા લોક સાહિત્યમાં કહેવાયું છે કે "સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો..."

પ્રણામ _/\_ 

શનિવાર, 9 મે, 2015

બોધકથા - 4

'ભૂખ્યા' માનવ-વરુઓ...!!



એક વરુ ગંગાનાં કાંઠે ખડકો માં આવેલી ભેખડોમાં રહેતું હતું.
ગંગાનદીમાં અચાનક અતિશય પૂર આવતા ખુબ જ પાણી ભરાયું.
વરુથી બહાર નીકળાય એમ હતું નહીં. 
ભૂખ્યા રહેવું પડે એમ હતું.

એટલે તે પોતાનાં ઘરમાં ગયું,
કેલેન્ડર જોયું,
તો આજે એકાદશી હતી...!!
વરુએ તરત જ એકાદશીનો ઉપવાસ જાહેર કર્યો અને પછી શાંતિથી પાણી ઉતારે એની રાહ જોવા લાગ્યું.

થોડીવારે પોતાનાં નિવાસનાં બારણાં પાસેથી વહેતા પાણીમાં ચીસકારા પાડતું બકરીનું બચ્ચું પસાર થયું.
વરુ ઉભું થઇ ગયું,
મોઢામાં પાણી આવી ગયું...
બંને પંજા અને મોઢું લાંબુ કરી બકરીનાં બચ્ચાને ભેખડમાં ખેચી લેવા માટે મરણીયો પ્રયાસ કર્યો.

આ બાજુ તણાતાં બકરીનાં બચ્ચા એ મોતને સમય પહેલા ત્રાટકેલું જોઈ પૂરી તાકાત સાથે દૂર જવાનો પ્રયત્ન કર્યો અને એ સફળ થયું. 
વરુએ હાથમાં આવેલો શિકાર ગુમાવ્યો.
ફરી એકાદશીનું વ્રત યાદ કરીને શાંત થઇ બેસી ગયું...!!

મિત્રો,
સમાજમાં મારી, તમારી અને આપણી સૌની સ્થિતિ આ ભૂખ્યા વરુ જેવી જ છે,
જ્યાં સુધી તક નથી મળતી ત્યાં સુધી જ નિયમ, સિદ્ધાંત, નિષ્ઠા અને કાયદા રૂપી એકાદાશીઓનું પાલન કરતા હોઈએ છીએ.
એક વાર તક મળી એટલે.......

વધારે કઈ નથી કહેવું,
આપ તો સમજુ છો....!!

અંતરદ્રષ્ટિ કરીને જોઈ લેવામાં વધારે મજા છે.

આપનો દિવસ શુભ રહે. 
મંગળ પ્રભાત. _/\_

(લાગતાવળગતા એ ખાસ 'ટોપી' પહેરવી,
કારણ કે આ તમારા માટે જ અહિયાં મુક્યું છે...!!)

શુક્રવાર, 8 મે, 2015

બોધકથા - 3


જીવનમાં ચારિત્ર્યનું ખુબ જ મહત્વ છે.


એકવાર અર્જુન ઇન્દ્રસભામાં મહેમાન હતો,
સ્વર્ગની અપ્સરા ઉર્વશીનું નૃત્ય ચાલતું હતું.
શાસ્ત્રીય નૃત્યમાં સૌ મગ્ન હતા.
અર્જુન પણ તાલ-ઠેકા-સંગીતમાં રસબોળ થઈને ઉર્વશીની અંગભંગી-આંખોની મસ્તી માણતો હતો.
ખરેખર તો આ માત્ર અર્જુનનો નૃત્ય પ્રેમ હતો, પણ ઇન્દ્રને થોડીક ગેરસમજ થઇ.

નૃત્યની પૂર્ણાહુતિ પછી એમણે ઉર્વશીને બોલાવીને અર્જુનની આગતા સ્વાગતા કરવા માટે સુચન કર્યું.
ઉર્વશી ઇન્દ્રની મનોવૃત્તિ સમજી ગઈ અને રાત્રે અર્જુનની સેવામાં પહોચી ગઈ.

વાર્તા-વિનોદ થયા, અન્ય વાતો થઇ...
પછી ઉર્વશીના ભાવ-ભંગીની અને અંગોની મસ્તી જોઈ અર્જુન બધું સમજી ગયો,
પણ પોતાને 12 વર્ષનું બ્રહ્મચર્ય નું વ્રત હોવાથી ઉર્વશીને સ્પષ્ટતા કરતા કહ્યું કે, 
"માતાજી, આપના પ્રત્યે મારો એવો કોઈ જ ભાવ નથી...!!"

ઉર્વશીને હવે પોતાની જાતનું અપમાન લાગ્યું,
અને અર્જુનને શાપ દીધો કે,"તું એક વર્ષ સુધી નપુંસક રહીશ...!!"

અર્જુને એ શાપનો સ્વીકાર કર્યો.
જે તેને વનવાસ પછીનાં એક વર્ષનાં અજ્ઞાત વાસ દરમ્યાન ઉપયોગી થયો.
એક વર્ષનાં નપુંસકપણાનો શાપ તેને આશીર્વાદ રૂપ સાબત થયો. 

શાપ સ્વીકાર્યો પણ પોતાનું બ્રહ્મચર્ય વ્રત છોડ્યું નહીં.

ચારિત્ર્યનાં સદગુણને કારણે વિદ્યા અને વિવેક વધારે પ્રભાવશાળી થાય છે.
અર્જુન આવો જ ચારિત્ર્યશીલ હતો તેથી જ તે ધનુર્વિદ્યામાં અજોડ અને વિવેકમાં શ્રેષ્ઠ હતો.

સૌ માતા-પિતા, શિક્ષકો તથા વાલીઓ પોતાનાં બાળકોમાં આવા જ ઉચ્ચ મૂલ્યોનું સંવર્ધન કરે એવી આશા રાખીએ. 
સુપ્રભાતમ... _/\_

મંગળવાર, 5 મે, 2015

બોધકથા - 2

આજની બોધકથા. (2)



આજની બોધકથા શિક્ષણ જગત તથા સરકારી તંત્રને ધ્યાનમાં રાખીને મુકવામાં આવે છે.

         એક ખુબ વિશાળ અને એકદમ ઘાટું જંગલ હતું. તે જંગલ માં સિંહ, વરુ અને શિયાળ ખુબ જ સારા મિત્રો હતા. હંમેશા સાથે જ શિકાર કરતા અને પેટ ભરતા. પણ સ્વભાવ મુજબ સિંહને જંગલનો રાજા હોવાનું અભિમાન હતું. અને તેથી જ એ દોસ્તીમાં સિંહની ખુશી કે કૃપા જ દોસ્તી ટકવા કે વિકસવામાં પાયારૂપ હતા.

          એકવાર સિંહે ગધેડો-હરણ અને સસલાનો શિકાર કર્યો,
          અને વરુને પૂછ્યું કે "આની ભાગબટાઈ કેવી રીતે કરીશું ?"
          વરુ એ 'મિત્રતા' અને 'કદ' ને નજર સમક્ષ રાખી એકદમ વ્યવહારુ સલાહ આપી અને કહ્યું કે "મહારાજ, તમે ગધેડો, હું હરણ અને શિયાળ સસલું રાખી લે..." 

          જોહુકમી નેતાઓ ક્યારેય વ્યવહારુ સલાહ ને સહન જ નથી કરી શકતા, કારણ કે એમને તો હા જી હા કરનારા જ ગમે. અને તેથી જ સિંહે વરુ ની આ સોના જેવી સાચી અને વ્યવહારુ વાત થી ગુસ્સે ભરાઈ ને વરુ ને એક પંજો મારી ને ખતમ કરી નાખ્યો. પછી એ જ વાત શિયાળ ને પૂછી - શિયાળે સત્યનાં શું હાલ થાય છે એ નજરે જોયું હતું - એટલે એ તરત જ બોલ્યું,

          "મહારાજ, સવારે શિરામણમાં સસલું લેજો, ભોજનમાં ગર્દભ (ગધેડો), વાળું માં વરુ અને વરાંઠડી (મોડી રાત્રિનું જમણ) માં હરણ લેજો. હું તો તમારું વધ્યું-ઘટ્યું 'પ્રસાદ' રૂપે લઈશ...!!!"
          
          રાજા સિંહને શિયાળની વાત ગમી તેથી ધન્યવાદ આપ્યા અને શિયાળની બઢતીની વાત પણ કરી અને ઉપરથી તેના સીઆર પણ સારા ભર્યા...

          આજકાલ શિક્ષકો અને પટ્ટાવાળાઓ પણ આચાર્યનાં 'સારા' સ્વભાવને કારણે તેમને સાચી સલાહ નથી આપી શકતા. અને આચાર્યની 'હા માં હા' અને આચાર્યની 'ના માં ના' કરતા રહેવું પડે છે. કેમ કે એવું ન કરે તો તેને 'ટકવું' મુશ્કેલ થઇ પડે...!!

ખાસ સુચન : કોઈને લાગતું વળગતું હોય તો પોતાની જાતે જ 'ટોપી પહેરી લેવાની' છૂટ. બીજા એ સિરિયસ લેવાની જરૂર નથી...!!
સુપ્રભાતમ _/\_

સોમવાર, 4 મે, 2015

બોધકથા - 1

આજની બોધકથા. (1)


   
          જેમને સત્કાર્ય કરવાની ઈચ્છા હોય તેને માર્ગ અને દર્શન આપોઆપ, ઈશ્વરીય સંકેતથી મળી રહેતા હોય છે અને તેથી જ તેમના જીવનકાર્યની પગદંડી જાતે જ વિશાળ પથ બની જાય છે.
          આંધ્ર નો તેલંગાણા (આજનું સિમાન્ધ્ર) વિસ્તાર પહેલાથી જ સામ્યવાદી અશાંતિ માટે કુખ્યાત છે. 1940 ની અપ્રિલ ની 18 મી તારીખ (આજથી પુરા 75 વર્ષ પહેલા) વિનોબાજી ગાંધી આશ્રમ માં અહિંસાના પાઠ ભણતા હતા ત્યારે પોચમપલ્લી - જે સામ્યવાદીઓ નો ગઢ કહેવાય - એ વિસ્તારમાં પાંચસો જેટલા ખૂન થયા હતા એટલે વિનોબાજી અહીં 'અહિંસા' ની સમજ માટે આવ્યા હતા.
          પોચમપલ્લીની ગ્રામસભામાં સોળ હરીજન પરિવાર, એકસો જેટલા અન્ય જમીનદાર પરિવાર હાજર હતા. હરિજનોની દલીલ હતી - એમને કુટુંબ દીઠ પાંચ એકર જમીન મળે તો કામ અને અન્ન મળી જાય અને કલહ શાંત થઇ જાય - ગામમાં જમીન માત્ર જમીનદારો પાસે જ હતી. અને એને જ કારણે લૂંટ - ચોરી - ખૂન નો સિલસિલો ચાલતો હતો.
          વાત સાચી હતી. એટલે વિનોબાજી એ કહ્યું "ગામમાં એંસી એકર જમીન મળે તેવા હું સરકારમાં પ્રયત્નો કરીશ તમે મને અરજી આપો. પણ લોકોને સરકારમાં શ્રદ્ધા ન હતી. ક્યારે મળે ? ક્યા મળે જેવા પ્રશ્નોની ચર્ચા ચાલી. ત્યાં જ રામચંદ્ર રેડ્ડી નામનાં જમીનદારે પોતાની એકસો એકર જમીન વિનોબાજી ને દાનમાં આપીને કહ્યું , "તમારા શાંતિ માટેના પ્રયાસનું મારા તરફથી ઇનામ...!!"
          અને ભૂમિદાન મહાયજ્ઞ નાં પ્રથમ હવિની પોચમપલ્લી થી શરૂઆત થઇ. વિનોબાજીને નવો પ્રકાશ, નવી દિશા મળી. અહિંસાનો સાક્ષાત્કાર થયો.
          જો સત્કાર્ય કરવા માટે અંતરથી ઈચ્છા હોય, અને આપણું એ સત્કાર્ય સમગ્ર સમાજ ને પણ બહુ સારી રીતે ઉપયોગી થવાનું હોય તો એ સત્કાર્ય માટેની મદદ ની વ્યવસ્થા, ઈશ્વર પોતે જ કરી આપે છે. 

સુપ્રભાતમ  _/\_