શનિવાર, 16 મે, 2015

બોધકથા - 8

'વિશ્વસનીય' ન્યાય...!!


આશરે 1400 વર્ષ પહેલાની આ વાત છે.
જ્યારે શંકરાચાર્ય હજુ શંકર જ હતાં, આચાર્ય થવાના માર્ગે આગળ વધી રહ્યા હતા ત્યારે વિદ્યા-અભ્યાસ પૂર્ણ કરી શાસ્ત્રાર્થ માટે માન્યતા મેળવવા સૌ પ્રથમ દક્ષિણનાં પ્રકાંડ પંડિત આચાર્ય મંડનમિશ્રનાં  ઘરે આચાર્ય અને તેમનાં પરમ વિદુષી પત્ની ભારતી દેવી સાથે શાસ્ત્રાર્થ કરવા ગયા. શરત એ હતી કે શંકર જો મંડન મિશ્ર અને તેની પત્નીને હરાવે તો બંને તેના શિષ્ય થઇ જાય નહિ તો શંકરે મંડનમિશ્ર નાં શિષ્ય થવાનું...

શરત મંજુર હતી પણ "શાસ્ત્રાર્થ દરમ્યાન ન્યાય કોણ કરે ?" એ મોટો પ્રશ્ન હતો. શંકરે વચલો માર્ગ કાઢ્યો અને કહ્યું "જ્યારે હું મંડન મિશ્ર સાથે શાસ્ત્રાર્થ, વાદ - વિવાદ કરું ત્યારે ન્યાયાધીશ તરીકે ભારતીદેવી કામ કરે અને જ્યારે ભારતીદેવી સાથે શાસ્ત્રાર્થ થાય ત્યારે આચાર્ય મંડન મિશ્ર ન્યાયાધીશ તરીકેની ફરજ બજાવે...!!

કેવો અદભૂત વિશ્વાસ 'ન્યાય' માં ?
અને તેનાથી પણ વિશેષ આશ્ચર્યજનક વાત તો એ છે કે ભારતીદેવીએ મંડન મિશ્ર સામેની ચર્ચામાં શંકરને વિજયી ઘોષિત કર્યા અને ભારતીદેવી સાથેનાં શાસ્ત્રાર્થમાં મંડન મિશ્ર એ પણ શંકરને જ વિજયી ઘોષિત કર્યા...!!

અને બંને વિદ્વાનો શંકરનાં શિષ્ય થઇ ગયા,
પછી શંકર શંકર મટી 'શંકરાચાર્ય' થયા...!!

ન્યાય અને તાટસ્થ્યતા એ આનું નામ...

આજકાલ ન્યાય વિશ્વસનીય રહ્યો નથી,
સત્તા પક્ષ બદલે એટલે તરત બદલીનો દોર શરુ થાય,
ફાઈલો ખુલે-ન્યાય બદલે-જીલ્લા કોર્ટ-હાઈ કોર્ટ-સુપ્રીમ કોર્ટ સુધી પણ ચુકાદાઓ બદલાતા રહે...!!
સલમાન ખાન અને જય લલીતા જેવી હસ્તીઓનું ઉદાહરણ એકદમ તાજું જ છે.
કાયદો તટસ્થ રહ્યો નથી,
બળિયા હોય એ જ જીતે એવું નક્કી લાગવા માંડ્યું છે...!!

પ્રભુ સૌને સદબુદ્ધિ પ્રદાન કરે...!
સુપ્રભાતમ.  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.