સોમવાર, 13 જુલાઈ, 2015

સોમલી...


સોમલી... (A 'Copy Pasted' story from Suresh Ganatra's Facebook Page.

સિત્તેર વર્ષ પહેલાંની એક સત્ય ઘટના જલારામ જ્યોતના એક સુજ્ઞ વાચક શ્રી હરગોવિંદભાઈ રામીએ રતલામથી લખી મોકલાવેલ તે થોડી ટૂંકાવીને, થોડી મઠારીને તેમના જ શબ્દોમાં વાંચીએ-
.
અમારૂં ગામ લીંબડી. પિતા બેચરભાઈ કડિયા કામ કરે. દોઢ રૂપિયો રોજ મળે. ઘેર ત્રણ ભેંસો. માતા મણીબા ભેંસોની રાખરખાત કરે. રાણી છાપ રૂપિયાનું અઢી શેર ઘી વેચે. ઘરની આર્થિક સ્થિતિ ઠીક ગણાય. સમયાંતરે પરિસ્થિતિ બદલાણી. ભેંસો એક પછી એક વેચાતી ગઈ. છેલ્લે વધી ભેંસની એક પાડી જેનું નામ સોમલી. 
.
સવંત 1996માં સૌરાષ્ટ્રમાં દુષ્કાળ પડ્યો. વરસાદ પાણી થયાં નહિ. ઘાસચારો મોંઘો થયો. આર્થિક ભીંસમાં કુટુંબ ભીંસાઈ ગયું. છોકરાંના આડાંની આ ભેંસ તેને પાંજરાપોળમાં કેમ મૂકવી? માતા પિતા મૂંઝવણમાં મુકાઈ ગયા. 
.
એવામાં લીંબડી નજીક આવેલ સૌકા ગામનાં દરબાર તખુભાભાઈ આવ્યા અને અમારી આ પહેલ વેતરી ભેંસની માગણી કરી. અમારાં મા-બાપ પહેલેથી જ ભક્તિ ભાવવાળાં હોવાથી ભેંસ બાબત કહ્યું કે અમારે કાંઈ લેવું નથી. પણ તમે આ સોમલી ઘાસ ચારેથી દુ:ખી ન થાય એટલું જોજો.
.
દરબાર બાપુએ અમને આશ્વાસન આપતા કહ્યું કે મારે ભગવાનની પુનાઈ છે. ભોગાવાનાં કાંઠે વાડી ખેતર છે. રજકો-ચારો પર્યાપ્ત માત્રામાં અમારી પાસે છે. ભેંસને જરાયે દુ:ખ નહીં પડવા દઉં. વળી ગામ નજીક છે. કોઈ વખત આવીને જોઈ જજો. મારાં મા-બાપે ભેંસ સોમલીને વિના મૂલ્યે દોરી આપી. 
.
કન્યા વિદાય વેળાએ જેમ માબાપની આંખ આંસૂથી છલકાઈ ઉઠે છે તેવી રીતે સોમલીને દરબારબાપુ સાથે વળાવતી વેળાએ મારા માતાપિતા રડતા હતા. સોમલીને દરબારબાપુ સાથે વળાવ્યા પછી ઘણા દિવસ સુધી મારા માતાપિતા તેને યાદ કરીને હિજરાતા રહ્યા. શરૂઆતના દિવસોમાં તો ધણીવાર મારા મા સોમલીને યાદ કરીને આંસૂ પાડી લેતા. એક દિવસ મારા માતાપિતા સોમલીની શાતા પૂછવાં સૌકા ગામે પહોંચી ગયા.
.
સોમલીને સામી નજરે જોઈ, સુખી જણાઈ. અવાજ કર્યો, ‘ સોમલી‘. ને ત્યાં તો તે ચારે પગે સોમલી ઊછળી અને ખીલો છોડાવીને મારાં માતા-પિતા પાસે દોડી આવી અને તેમના પગ ચાટવા લાગી.
.
અંતરભાવો જ્યારે શબ્દો દ્વારા કહી શકતા નથી ત્યારે તે આંસુઓના માર્ગે વહેવા લાગે છે. સોમલીની આંખોમાં વહેતા આંસૂ કહીરહ્યા હતા કે તે લીંબડી પાછાં આવવા માગતી હતી. તે મારા માતા-પિતાથી અળગી થતી ન હતી.
.
તેની આંખમાંથી અને મારા માની આંખમાંથી આંસુની ધાર વહેતી જોઈ ત્યારે ત્યાં આજુબાજુના ઘણા લોકોની આંખમાં પણ આંસુના તોરણ બંધાયા... 
.
પ્રેમ હોય તો સુખ-સગવડ વગર પણ આનંદથી જીવી શકાય છે. પ્રેમનું ફૂલ ક્યારેય, કોઈ પણ પરિસ્થિતીમાં કરમાતું નથી.  

કબીરજીએ યથાર્થ ગાયું છે કે - પ્રેમ છિપાયા ના છિપૈ, જો ઘટ પરગટ હોય, જો પૈ મુખ બોલે નહીં, નૈન દેત હૈ રોય.
સોમલીનું પણ આવું જ થયું. તે બોલી તો સકતી ન હતી પરંતું તેની આંખના વહેતા આંસૂ ઘણું ઘણું કહેતા હતા.
.
કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે પશુ પણ સ્વજનોના પ્રેમ અને વતનની માયાને ભૂલી શકતું નથી. 
.
સોમલીને દરબારબાપુને ત્યાં સિમેંટ કોંકરેટની સ્વચ્છ ગમાણમાં રજકો-ચારટીયો તથા ખાણમાં ખોળ-ગોળ બધું જ મળતું હતું, જ્યારે અમારે ત્યાં નીરણમાં સૂકાં ઠાગાં ઠાલીયા સિવાય કાંઈ નહિ અને વધારામાં ગારથી લીંપાયેલ ગમાણ હતી.
.
ખીલે ખાણ ખૂટે નહિ ને સ્વચ્છ ગમાણે લીલી નાગરવેલ નંખાય;
પણ સૂકાં ઠાગાંને ઠાલીયા ને ગારેલીંપી ગમાણ તે કેમે કરી ભુલાય !
.
જીવનના કોઈ પણ મુકામે સંસારના તમામ સુખ સગવડતાઓ વચ્ચે પણ ક્યારેય મન ઉદાસ થઈ જાય ત્યારે ચિંતન કરશો તો સમજાશે કે પોતાના વીતેલા સંસારની કોઈ મધુર, પ્રેમપૂર્ણ માયા સતાવે છે.
.
કબીરજી કહે છે કે - પ્રેમ ન બાડી ઉપજૈ, પ્રેમ ન હાટ બિકાય; રાજા પરજા જૈહિ રૂચૈ, શીશ દેઈ લૈ જાય...
.
પ્રેમને સુખ-સાહેબીના ત્રાજવે ક્યારેય તોળી શકાતો નથી. ગરીબ માવતરની દીકરી પરણીને સાસરે ગઈ હોય, સાસરીમાં દોમદોમ સાહેબી હોય, પાણી માંગે ત્યાં દૂધ મળતું હોય તો પણ તે ક્યારેય પોતાના પિયરની માયાને વિસારી શકતી નથી. તેવું જ સોમલીનું હતું. સૌકા ગામે મળતું સુખ તેને સ્વજનોના પ્રેમ અને માયાથી વિમુખ કરી શક્યું ન હતું.
.
પ્રેમ એ જીવ માત્રની સ્વાભાવિક ભૂખ છે. નક્કી માનજો - પ્રેમ જ હરકોઈને તૃપ્તિ આપે છે.
.
- સુરેશ ગણાત્રા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.